જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે એક વેપારીની નજર ચૂકવી અડધા લાખ રૂપિયાની ચોરી કરી જનાર મહિલા ગેંગને આખરે એલસીબીની ટીમે પકડી પાડી છે. બે પુરુષ અને ચાર મહિલાઓની ગેંગ દ્વારા રાજ્યભરમાં વીસથી વધુ ચોરીના બનાવોને અંજામ આપવામાં આવ્યો છે.
તાજેતરમાં ખંભાલીયા ખાતે એક દુકાનમાં પ્રવેશેલ ત્રણ મહિલાઓએ વેપારીની નજર ચૂકવી ખાનામાંથી રૂપિયા અડધા લાખની રકમ સેરવી લીધા બાદ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરુ કરી હતી. જેમાં પોલીસે અમુક શંકાસ્પદ મહિલાઓને પકડી પાડી પૂછપરછ કરતા સમગ્ર બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
મૂળ રાજકોટના મફતિયા પરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા અને હાલ વડોદરામાં વાઘોડિયા ચોકડી ઓવરબ્રીજ નીચે રહેતા વેડવા દેવીપુજક ગેંગના જફાન ઉર્ફે જગત ઉસ્વાસભાઈ પરમાર, સતીશ ઈલાશભાઈ સિંદે, શુનીલાબેન જફાન ઉર્ફે જગત પરમાર, રેખાબેન સતીશભાઈ સિંદે અને સુનીતાબેન જફાન પરમાર, નિર્મલાબેન ઉર્ફે શશીકલા ઈલાસભાઈ સિંદે નામના પરિવારના છ સભ્યોને પકડી પાડ્યા છે.
આ સખ્સોના કબજામાંથી ૬૮ હજારની રોકડ, પાંચ મોબાઈલ, સોના ચાંદીના દાગીના અને ત્રણ પેનડ્રાઈવ સહીત સવા લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ જ ગેંગ દ્વારા ગત તા. ૧૮મીના રોજ ખંભાલીયા દરબાર ગઢ ખાતે ફ્રુટના ગોડાઉન સંચાલકની નજર ચૂકવી રૂપિયા ૫૦ હજારની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
આ ઉપરાંત દ્વારકા, જામનગર, જુનાગઢ, વડોદરા, પોરબંદર, રાજકોટ, નર્મદા, મોરબી, સુરત અને વાપી સહિતના શહેરમાં વીસ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી છે. આરોપી જફાન ઉર્ફે જગત સામે રાજકોટમાં હત્યા અને ભાવનગરમાં બે વખત ભંગાર ચોરીના ગુના નોંધાઈ ચુક્યા છે.
આ ગેંગની આરોપી મહિલાઓ ભિક્ષાવૃતિ દરમિયાન દુકાન, રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશનમાં વેપારી તથા ભીડનો લાભ લઇ નજર ચૂકવી ચોરી કરી જતા હોવાની એમઓ ધરાવે છે.
જો કોઈ વેપારી કે નાગરિકો આવી રીતે ચોરીનો ભોગ બન્યા હોય તો ખંભાલીયા પોલીસ દફતરના ૦૨૮૩૩- ૨૩૪૭૩૫ કે દ્વારકા એલસીબીના ૦૨૮૩૩-૨૩૪૭૨૦ વાળા નંબર પર સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે.