જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાની બીમારી ધીરે ધીરે અજગરી ભરડા તરફ આગળ ધપી રહી છે ત્યારે કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે કોવીડ૧૯માં ફરજ બજાવતી એક આશા વર્કર મહિલાને ગામના જ પિતા પુત્ર સહિતના ચાર સખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. ચાર પૈકીના એક આરોપીની પત્નીનો કરાવેલ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ ગામમાં કોરોનાની ઉઠેલ અફવાને લઈને આરોપીઓએ મહિલાને માર મારી ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
જાગૃતિના અભાવે કે સામાજિક તિરસ્કૃતીના કારણે કોવીડ અંગે હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં કેવો ભય ફેલાયો છે તેનો દાખલો ગઈ કાલે કલ્યાણપુર પોલીસ દફતરમાં નોંધ્યો છે. જેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે આશા વર્કર તરીકે ફરજ બજાવતી ચંપાબેન રામદેભાઇ પાલાભાઇ ચાવડા નામની મહિલા પર ગામના જ દેવાભાઇ ડાયાભાઇ ચાવડા, નગાભાઇ રામજીભાઇ ચાવડા, વિપુલ્લભાઇ હરદાસભાઇ ચાવડા, હમાભાઇ રામજીભાઇ ચાવડા રહે.બધા-પટેલકા તા.કલ્યાણપુર વાળા સખ્સોએ ભુંડી ગાળો કાઢી,ઢીકાપાટુનો માર મારી, જાન થી મારી નાખવાની ધમકી આપી, એક બીજાને મદદગારી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે, જેમાં તેણીએ આરોપી દેવાભાઈની પત્ની ગીતાબેનને દવાખાને બોલાવી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેને લઈને ગામમાં એવી અફવા ઉડી હતી કે ગીતાબેનને કોરોના છે. આ બાબતનો મનદુઃખ રાખી આરોપીઓએ તેણીને તેના સસરાના ઘરે વાતચીત કરવા બોલાવી હતી જ્યાં ઉસ્કેરાઈ જઈ આરોપીઓએ માર માર્યો હોવાનો આરોપી લગાવાયો છે.