જામનગર : તાજેતરમાં દ્વારકા ખાતે પૂર્ણ થયેલ આર્મી ભરતી પ્રક્રિયાના નામે લેભાગુ તત્વોએ આર્થિક કૌભાંડ આચર્યું હોવાનો ઓડિયો વાયરલ થતા સનસનાટી મચી જવા પામી છે. કથિત ઓડિયોમાં ગીર સોમનાથ જીલ્લાની ખાનગી આર્મી તાલીમ સંસ્થાના વચેટિયા અને બેટ દ્વારકાના સખ્સ વચ્ચે થયેલ કથિત સંવાદનો દાવો કરવામાં આવી રહ્યો છે. આર્મીને સાંકળતા આ કથિત ભરતી કૌભાંડ અંગેના ધગધગતો ઓડિયો અંગે સતાવાર પુષ્ટી થવા પામી નથી. છતાં પણ દેશની સુરક્ષા અને કૌભાંડી સખ્સોને સબક શીખવવા માટે પણ તપાસ જરૂરી બની છે.

તાજેતરમાં દ્વારકા ખાતે આર્મી ભરતી મેળામાં અમુક સખ્સો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. ગીર સોમનાથ જીલ્લામાં આર્મી ભરતીની તૈયારી કરાવતી ચોક્કસ ખાનગી સંસ્થાના ચેરમેન અને તેના વતી દલાલ તરીકેની ભૂમિકામાં રહેલ સખ્સ તેમજ ઉમેદવારના વાલી તરીકે બેટ દ્વારકાની કોઈ અજાણી વ્યક્તિ વચ્ચેનો કથિત સંવાદ છે. જેમાં વચેટીયાએ રૂપિયા દોઢ લાખથી નવ લાખ સુધીમાં આર્મી ગ્રાઉન્ડ કે મેડીકલ વગર જ ભરતીનું એડમિટ કાર્ડ બનાવી ભરતી કરી દેવાની બાહેંધરી આપવામાં આવી રહી છે. આ ભરતીના પ્રૂફ રૂપે દલાલે અમુક ઉમેદવારોના ફોટા સાથેના એડમિટ કાર્ડ પણ વોટ્સએપ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચાર થી પાંચ વખત બંને વચ્ચે થયેલ વાર્તાલાપમાં જામનગર આર્મીના સીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આ ઓડિયોની ખરાઈ થઇ શકી નથી. પરંતુ જે વાતચીત થઇ રહી છે તે સત્ય હોય તો દેશની સુરક્ષા વ્યવસ્થા માટે ચોક્કસ જોખમ રૂપ છે. આર્મી અને પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ ભરતી કૌભાંડ થયું છે કે કેમ ? તેની ચોક્કસથી ખરાઈ કરવી જ જોઈએ, જો આ બાબત સત્ય હોય તો જે કોઈ કસુરવારો હોય તેઓને છોડવા ન જોઈએ.
બીજી તરફ એવી પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે આ ભરતી પ્રક્રિયામાં આર્મીના જવાબદારો અને કૌભાંડિયાઓ વચ્ચે કોઈ સેતુ ન પણ હોય, બની શકે આર્મીના અધિકારીઓના નામે દલાલોએ ખોટા વાયદાઓ કરી કૌભાંડ આચર્યું છે. સત્ય જે કઈ હોય તે ઉજાગર થવું જ જોઈએ એમ તે સ્વાભાવિક છે.