દેવભૂમિ દ્વારકા : રંગીલો રવિવાર, સાંબેલાધાર ૪ થી ૮ ઇંચ વરસાદ

0
1128

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે મેઘરાજાએ આજે સટાસટી બોલાવી સાંબેલાધાર મહેર કરી છે. આજે સમગ્ર દિવસ દરમિયાન જીલ્લામાં ભારે વરસાદ પડી ગયો છે. જેને લઈને પ્રથમ વરસાદમાં જ જે ખેડૂતોએ ખરીફ પાકનું સિંચન કર્યું છે તે સમગ્ર ખેડૂત આલમમાં ખુશીનો દરિયો ઉમટી પડ્યો છે. તાલુકા વાઈઝ વાત કરીએ તો શનિવાર રાત્રીના બાર વાગ્યાથી રવિવારના રાત્રીના આઠ વાગ્યા દરમિયાનના છેલ્લા વીસ કલાકના ગાળામાં ચારેય તાલુકામાં સચરાચર વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં થયો છે, કલ્યાણપુર તાલુકા મથકે ૧૯૫ મીમી એટલે કે આઠ ઇંચ વરસાદ પડી ગયો છે, જયારે તાલુકાના કેનેડી, હનુમાનગઢ, બાકોડી, પટેલકા, ચુર, રાજપરા,  ખાખરડા, સીદસરા, બેરાજા, ભાટિયા, ભોગાત, ભાટવડીયા, નાવદ્રા, લાંબા, ગોજી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા છે, જયારે ભાણવડ તાલુકા મથકે શનિવારે રાત્રે બાર વાગ્યાથી રવિવારે રાતના આઠ વાગ્યા સુધીના ગાળામા ચાર  ઇંચ વરસાદ પડ્યો છે, જયારે મોટા કાલાવડ, વેરાડ, વાનાવડ, ગુંદા સહિતના ગામડાઓમાં પણ ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. ભારે વરસાદનાં કારણે પોરબંદરની જીવાદોરી સમા વર્તુ બે ડેમમાં મહતમ માત્રામાં પાણીની આવક થઇ છે. આ ઉપરાંત ખંભાલીયા તાલુકામાં પણ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. તાલુકાના ભાડથર ભીંડા, કેશોદ, લલિયા, તથીયા, ફોટ, વિંજલપર, કુવાડીયા, સામોર અને વડતરા તેમજ દાત્રાણા સહિતના ગામડાઓમાં ધોધમાર ચાર થી છ ઇંચ વરસાદ વરસી ગયો છે. જયારે દ્વારકા તાલુકામાં મોષમનો પ્રથમ વરસાદ પંથકવાસીઓમાં ખુશીનું મોજું ફેલાવી ગયો છે. દ્વારકા તાલુકા મથકે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હોવાના વાવડ છે. જયારે સીજનની વાત કરવામાં આવે તો જીલ્લામાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૨૩૩ મીમી, દ્વારકામાં ૭૮ મીમી, ભાણવડમાં ૧૫૯ મીમી, ખંભાલીયામાં ૨૨૩ મીમી વરસાદ નોંધાયો છે. દ્વારકાને બાદ કરતા તમામ તાલુકામાં ખરીફ પાકનું વાવેતર થઇ ગયું હોવાથી આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે. ભારે વરસાદ પડી જતા રવિવાર તો રંગીલો બની જ ગયો છે સાથે સાથે જગતનો ખુશખુશાલ થઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here