જામનગર : ગઈ કાલે રાત્રે ભાટિયા નજીક દ્વારકા રોડ પર એક વાહન અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જો કે અકસ્માત સમયે જેની જવાબદારીમાં આ સ્થળ આવે છે તે ભાટિયા પોલીસ અહીથી જ પસાર થઇ હતી પરંતુ પોલીસે પોતાની ગાડી રોક્યા વગર જ ચાલી જતા જાણે માનવતા મરી પરવારી હોય એવું ચિત્ર સામે આવ્યું છે. કદાચ સમયે મદદ મળી હોત તો મરણ પામેલ યુવાન કદાચ આ દુનિયા છોડીને ચાલ્યો ન ગયો હોત !!! ભાટિયા પોલીસ આટલી નિષ્ઠુર બની ગઈ ? એ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, ગઈ કાલે રાત્રે નવ-સાડા નવ વચ્ચે ભાટિયા નજીક દ્વારકા રોડ પર નજીક મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો જેમાં જામનગરના એક યુવાનનું મૃત્ય નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ભાટિયા પોલીસની ગાડી બનાવ સ્થળ પાસેથી પસાર થઇ હતી. દ્વારકા ખાતે એસપીના વિદાય સમારંભમાં હાજરી આપી ભાટિયા પરત ફરી રહેલ ભાટિયા પોલીસ આટલી નિષ્ઠુર કેમ બની ગઈ ? પોતાના જ કાર્યક્ષેત્રમાં આવતા સ્થળ પર આ અકસ્માત થયો હતો અને એક યુવાન જીવન મરણ વચ્ચે જોલા ખાતો હોવા છતાં ભાટિયા પોલીસે સ્થળ પર ગાડી થંભાવવાના બદલે અહી નજર સુધ્ધા પણ નહી કરતા આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતા અને ભાટિયા પોલીસની મરી ગયેલ માનવતાને લઈને પણ ભાટિયા પંથકમાં રોષ ફેલાયો છે. એક તરફ રાજ્યનું ગૃહ વિભાગ પોલીસને પ્રજાનો મિત્ર બનાવવાની વાત કરી રહી છે ત્યારે પોતાના કર્તવ્ય નિષ્ઠાના બદલે અહી પોલીસે મો ફેરવી લેતા ભાટિયા પોલીસ સામે સમગ્ર હાલારમાં રોષ પ્રબળ બન્યો છે.