જામનગર : અજાણી કારે પોસ્ટકર્મીને ચગદી નાખ્યા, અન્યને ફ્રેકચર

0
627

જામનગર અપડેટ્સ : જામનગર નજીક કાલાવડ રોડ પર ગઇકાલે સાંજે પૂર ઝડપે દોડતી એક કારે એકટીવાને પાછળથી ઠોકર મારતા એકટીવા ચાલક એવા પોસ્ટકર્મીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું છે. જયારે મૃતકની સાથે રહેલા અન્ય એક પોસ્ટકર્મીને ફેકચર સહિતની ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જામનગરની દરરોજ અપડાઉન કરતા બન્ને કર્મચારીઓ એક જ બાઇકમાં બેસી જતા-આવતા હતા.

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે કાલાવડ રોડ ઉપર વધુ એક જાનહાનિભર્યો અકસ્માત થયો છે. જેની વિગત મુજબ ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ જામનગર તરફ આવી રહેલા જી.જે.12.ડી.સી.6126નંબરના એકટીવાને પાછળથી પૂર ઝડપે આવેલી કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો.  જેમાં જામનગરમાં રહેતા ચાલક રાજેશભાઇ કલાભાઇ પરમાર (ઉ.વ.43) અને તેની પાછળ બેઠેલા રાજેશ ઉર્ફે રાજેન્દ્રસિંહ હેમતસંગ જાડેજા (ઉ.વ.51) બન્ને એકટીવા પરથી ફંગોળાઇ ગયા હતા. એકટીવા પરથી નીચે પડી જતા રાજેશભાઇને મોઢા તથા નાકમાંથી લોહી નિકળતા તેઓ બેશુદ્ધ થઇ ગયા હતા ત્યારે રાજેન્દ્રસિંહને પણ ખંભાના જમણી બાજુમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ કાર ચાલક કાર સાથે નાશી ગયો હતો. જયારે કોઇએ જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જયાં રાજેશભાઇને ચકાસી મૃત જાહેર કરાયા હતા. જયારે રાજેન્દ્રસિંહને જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મૃતક અને ઇજાગ્રસ્ત બન્ને જામનગરમાં રહે છે અને મૃતક વંથલી ગામે તથા રાજેન્દ્રસિંહ અલીયા ગામે પોસ્ટઓફિસમાં નોકરી કરે છે. દરરોજ બન્ને એક જ સ્કુટરમાં બેસી નોકરીએ જતા-આવતા હતા. ગઇકાલે પણ નિત્યક્રમ મુજબ નોકરી પૂરી કરી બન્ને મિત્રો જામનગર આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પંચકોષી એ ડિવિઝન પોલીસે આ બનાવ અંગે નાશી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here