કંપારી : બંધ ટ્રક પાછળ ટેમ્પો ઘૂસ્યો, દરવાજો તોડી ચાલકને કઢાયો, દૂધની થઈ રેલમછેલ

0
572

જામનગર અપડેટ્સ : જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આજે વહેલી સવારે એક દૂધ ભરેલો ટેમ્પો બંધ ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત માં ટેમ્પોની કેબિનનો ચાલક કેબીન ની અંદર ફસાયો હતો. જેને ફાયર ની ટીમની મદદથી દરવાજા કાપીને બહાર કાઢવો પડ્યો હતો, અને હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે ટેમ્પોમાંથી દૂધ ઢૉળાઈ ગયું હોવાથી માર્ગ પર દૂધની નદી વહી હતી.

જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતો મયુર નારણભાઈ મોરી નામનો ૩૦ વર્ષનો યુવાન આજે સવારે સાડા છ વાગ્યાના અરસામાં પોતાનો દૂધ ભરેલો ટેમ્પો લઈને દરેડ થી ધ્રોલ તરફ દૂધ પહોંચાડવા માટે જઈ રહ્યો હતો, જે દરમિયાન ખીજડિયા બાયપાસ પાસે માર્ગ ઉપર બંધ પડેલા એક ટ્રક ની પાછળ ધડાકાભેર અથડાઇ પડતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેમ્પો ની કેબીન ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર બોલાવવી પડી હતી, અને મશીનરી ની મદદથી ટેમ્પોને ટ્રક ની બહાર ખેંચી દરવાજા કાપીને ઇજાગ્રસ્ત યુવાનને બહાર કાઢવો પડ્યો હતો. જેને ૧૦૮ની ટીમ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના કારણે ટેમ્પોમાંથી દૂધનો જથ્થો પણ ઢોળાઈ ગયો હતો અને માર્ગ પર દૂધની નદી વહી હતી. અકસ્માતના બનાવ પછી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here