શાળાના ક્લાર્કની નોકરી મેળવવા માટે લાખો રૂપિયાની લાંચ આપવી પડે છે એવી ભૂતકાળમાં અનેક ફરિયાદો થઈ છે ત્યારે આ જ ફરિયાદ ફરી એક વખત હકીકત થઈ સામે આવી છે, કેમ કે બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતેની એક સ્કૂલના આચાર્ય ક્લાર્કની નોકરી અપાવી દેવા એક આસામીના પિતા પાસેથી 16 લાખની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયા છે. આ ટ્રેપમાં વચેટીયા તરીકે પટાવાળાની સંડોવણી સામે આવી છે.

બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકા મથકે આવેલ સર ભવાનીસિંહ વિદ્યાલયમાં ક્લાર્ક તરીકેની નોકરી મેળવવા માટે એક આસામીએ કાર્યવાહી કરી હતી. આ નોકરી અપાવી દેવા માટે આચાર્ય શૈલેષ ચંદ્રવદનભાઈ મહેતાએ ₹16 લાખની માંગણી કરી હતી. જેને લઇને અરજદારના પિતાએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી. જેને લઈને એસીબીએ યોગ્ય આયોજન કરી સર્કિટ હાઉસ ખાતે ટ્રેપ ગોઠવી હતી. પાલનપુર સર્કિટ હાઉસમાં ગોઠવાયેલી ટ્રેપ પ્રમાણે અરજદારના પિતા પાસેથી આચાર્ય મહેતા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા અને હાલ ફરજ મોકૂફ થયેલા પટાવાળા નરેશકુમાર કચરાલાલ જોશી અરજદારના પિતા પાસેથી ₹16 લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા.

એસીબીએ આચાર્ય અને પટાવાળા બંનેની ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાજમાં એક વાત પ્રચલિત છે કે કોઈપણ મોટા અધિકારી પાસે યોગ્ય-અયોગ્ય કામ કરાવવું હોય તો પટાવાળાને પકડી લો કામ પતી જશે, આ કિસ્સામાં પણ પટાવાળાની સંડોવણી ખુલતા વર્ગ ચારના કર્મચારીની લાગવગને સમર્થન મળ્યું છે.