જોશીલા જામનગર જિલ્લામાં જામ જ જામ…..અધધ દારૂ પકડાયો

0
727

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે પોલીસે એક વાડીમાં દરોડો પાડી 155 પેટી દારૂ પકડી પાડયો છે. રાજકોટ રહેતા વાડી માલિકના કબ્જાની વાડીના ગોડાઉનમાંથી 1860 બોટલ દારૂ અને હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા એક મોટરસાયકલ સહિત રૂા.9.45 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જો કે દરોડા દરમ્યાન વાડી માલિક હાજર ન મળતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં વિદેશી દારૂ સંબંધીત દરોડા પાડી પોલીસે એક જ અઠવાડીયામાં બહોળી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડયો છે ત્યારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દારૂ સંબંધીત વધુ એક કાર્યવાહી કરી હતી. તાલુકાના નાના વડાળા ગામની સીમમાં આવેલ કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજાની વાડીમાં વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું સ્થાનિક પોલીસને હક્કિત મળી હતી. આ હક્કિતના આધારે પીએસઆઇ હિરલબેન પટેલ સહિતના સ્ટાફે ગઇકાલે બપોરે ઉપરોકત સ્થળે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન વાડીના ગોડાઉનની તલાશી લેતા અંદરથી જુદી-જુદી બ્રાન્ડનો 1860 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે દરોડા દરમ્યાન રાજકોટમાં યુનીવર્સીટી રોડ પર સદગુરૂ નગરમાં બાપાસીતારામની મઢુલી પાસે રહેતા કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા હાજર નહી મળતા ફરાર દર્શાવવામાં આવ્યા છે. પોલીસે વાડી માલિક સામે પ્રોહિબિશન ધારાઓ 65એ,ઇ, 116બી, 92-2 મુજબ ફરિયાદ નોંધી હતી. આ પ્રકરણના મુળ સુધી પહોંચવા માટે પોલીસે વાડી માલિક કુલદીપસિંહના મોબાઇલ લોકેશનના આધારે હાલ તપાસના ચક્રોગતિમાન કર્યા છે. એક શખ્સ આટલુ મોટુ નેટવર્ક એકલા હાથ ચલાવી ન શકે તેવી શકયતાઓ સાથે સ્થાનિક પોલીસ દ્વારા અન્ય કેટલા શખ્સો સંડોવાયા છે તેને લઇને પણ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે ગોડાઉનમાંથી રૂા.9,30,000ની કિંમતનો દારૂ તેમજ દારૂની હેરફેર કરવામાં તેમજ માલ પહોંચાડવામાં ઉપયોગમાં લેવાયેલ જી.જે.11 કયુ.5328 નંબરની મોટરસાયકલ સહિત રૂા.9.45 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here