જામનગર જિલ્લામાંથી એક અઠવાડિયામાં તોતિંગ દારૂ પકડાયો પણ…

0
502

જામનગર અપડેટ્સ : જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે દારૂની બદી નાથવા જાણે કમર કશી હોય તેમ એક સપ્તાહમાં અઢળક દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જો કે આ જથ્થો અહી સુધી પહોચતા કેટ કેટલાય ચેક પોસ્ટ અને પોલીસ ચોકીઓ રસ્તામાં પડે છે છતાં વિશાળ જથ્થો અહી સુધી પહોચી જાય એ પોલીસની કાર્યવાહી સામે શંકાઓ ઉપજાવે છે. જિલ્લા પોલીસે છેલ્લા એક સપ્તાહમાં પોલીસે ૨૪.૨૫ લાખનો દારૂ પકડી પાડ્યો છે.

જામનગર શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો છે. પોલીસ દ્વારા એક અઠવાડીયામાં જુદા-જુદા સ્થળોએ કરેલી કાર્યવાહી દરમ્યાન 4900 બોટલ દારૂ પકડી પાડયો છે અને અનેક શખ્સો સામે કાર્યવાહી પણ કરી છે. વિગતવાર ચર્ચા કરવામાં આવે તો ગત તા.21મી ના રોજ જામનગરની સીટી એ ડિવિઝન પોલીસે નુરી ચોકડી પાસે પ્રભાતનગરમાં એક રહેણાક મકાનમાં દરોડો પાડી 131 બોટલ દારૂ પકડી પાડયો છે.

જયારે તા.24મી ના રોજ જોડિયા પોલીસે તાલુકાના બાદનપર ગામે એક કારને આંતરી લઇ 186 બોટલ દારૂ કબ્જે કર્યો છે જો કે આ દરોડા દરમ્યાન આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

વિદેશી દારૂની બદીને નાથવા માટેની કવાયતમાં પંચકોષી બી ડિવિઝન પોલીસ પણ જોડાઇ હતી. તા.23મી ના રોજ પંચકોષી બી ડિવિઝન પોલીસે ખીમરાણા નજીકના બે ભાઇના ડુંગર પાસેથી 166 બોટલ દારૂ પકડી પાડયો હતો. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ દારૂનો જથ્થો રેઢો મળી આવ્યો હતો. જયારે ધ્રોલ પોલીસે તા.23મી ના રોજ લૈયારા ગામેથી 6 બોટલ દારૂ પકડી પાડયો હતો. આ સંદર્ભે એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી આગળ ધપાવવામાં આવી જેમા તાજીયા ગેંગના સાગ્રીત દ્વારા ચલાવવામાં આવતા વિદેશી દારૂના નેટવર્કનો પદાર્ફાશ થયો હતો. તા.25મી ના રોજ લૈયારા ગામે એલસીબીએ દરોડો પાડી વિદેશી દારૂના કરવામાં આવી રહેલા કટીંગ વખતે 808 બોટલ દારૂનો જથ્થો પકડી પાડયો હતો. જો કે આ દરોડામાં પણ તાજીયા ગેંગના એક સમયના ખુખાર સાગ્રીત યાસીન મોટો હાજર નહી મળતા ફરાર દર્શાવાયો હતો. જો કે પોલીસે માછલીરૂપી બે શખ્સોની ધરપકડ કરી સંતોષ માની લીધો હતો.

તા.23મી ના રોજ સીટી એ ડિવિઝન પોલીસે નહેરના કાંઠે, દિપક ટોકીઝ, એસ.ટી.રોડ પર તેમજ લાલપુર અને પંચકોષી એ ડિવિઝન પોલીસે પણ આ ઝુંબેશમાં જોડાય દેશી-વિદેશી દારૂ સાથે અડધો ડઝન શખ્સોને આંતરી લીધા હતા.

આ સપ્તાહનો બીજો સૌથી મોટો દરોડો સીટી બી ડિવિઝન પોલીસે ગુલાબનગર વિસ્તારમાં પાડયો હતો. આ દરોડામાં પ્લાસ્ટીકની આડમાં ટ્રકમાં ભરવામાં આવેલા 1500 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે પોલીસે બે શખ્સોની અટકાયત કરી હતી. પરંતુ મુખ્ય બુટલેગર હજુ હાથ લાગ્યો નહી.

જયારે સિક્કા પોલીસે મુંગણી ગામે બે જુદા-જુદા દરોડા પાડી 155 બોટલ દારૂ સાથે બે શખ્સોને આંતરી લીધા હતા. પોલીસે આ શખ્સોની ધરપકડ કરી તપાસ કરી હતી પરંતુ પોલીસ બન્ને શખ્સો પાસેથી વધારે કાઇ ઉકાળી શકી ન હતી.

જયારે તા.24મી ના રોજ સીટી એ ડિવિઝન પોલીસે ન્યુ સાધના કોલોનીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી 111 બોટલ દારૂ પકડી પાડયો હતો.

આ સપ્તાહનો સૌથી મોટો દારૂનો જથ્થો કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડયો છે. જેમાં 1860 બોટલ દારૂ હાથ લાગ્યો છે. પરંતુ આરોપી હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

આમ એક જ સપ્તાહમાં જામનગર શહેર-જિલ્લા પોલીસે જુદી-જુદી કાર્યવાહી કરી રૂા.24,49,500ની કિંમતનો 4,899 બોટલ દારૂનો જથ્થો પકડી પાડયો છે. બીજી તરફ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ડી.જી.કચેરી દ્વારા જયારે દારૂસંબંધીત ડ્રાઇવોનો ઓર્ડર મળે છે ત્યારે પોલીસ જાણે રઘવાઇ બની હોય તેમ બુટલેગરો ઉપર તુટી પડે છે અને મોટો જથ્થો પકડી પાડી પ્રચાર-પ્રસાર માધ્યમમાં વાહ-વાહી મેળવે છે. ઉપરી અધિકારીઓ સુચના આપે તો જ કાર્યવાહી થઇ શકે ? આ મુદ્ો પણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here