જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકા ખાતે ગુગળી જ્ઞાતિની ઓફીસમાં એક યુવાને ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. તુલા વાડીમાં ચાલતી ગેરરીતી અંગે કરેલી અરજીના અનુસંધાને ત્રણ સખ્સોએ ધમકી આપતા યુવાને જ્ઞાતિની ઓફિસમાં જ ફિનાઈલ પી લેતા સમગ્ર દ્વારકામાં તરેહ તરેહની ચર્ચાઓનો દોર શરુ થયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે ગોપાલ હોટલની સામે, વ્રજ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. ૫૦૭, હોમગાર્ડ ચોક ખાતે રહેતા હિમાંશુ પુષ્કરાભાઇ ઠાકર નામના યુવાને ગત તા. ૧૩મીના રોજ ગુગળી જ્ઞાતિની ઓફિસે જઈ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને દ્વારકા જીલ્લામાં સનસનાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનાને લઈને યુવાનને તાત્કાલિક ખંભાલીયા ખસેડી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જયારે વધુ સારવાર માટે તેઓને જામનગર ખસેડવામાં આવ્યા હતા. જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તબિયત સારી થઇ જતા ગઈ કાલે હિમાન્સુભાઈને રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન ગઈ કાલે દ્વારકા પોલીસ દફતર પહોચી હિમાન્સુભાઈએ બનાવ અંગે ત્રણ સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને દ્વારકામાં ચર્ચાઓનો દોર શરુ થયો છે.

છેલ્લા પખવાડિયાના ગાળામાં યુવાનને ત્રણ સખ્સોએ સતત ધમકીઓ આપી હતી. શરદ વાયડા તથા બાબુલ વાયડા અને બ્રિજેશ ઠાકર નામના સખ્સો સામે યુવાને આઈપીસી કલમ ૫૦૬ મુજબ ફરિયાદ નોંધાવી હતી. યુવાને સમસ્ત ગુગળી જ્ઞાતિ ૫૦૫ના પ્રમુખ વિરૂધ્ધમા અરજીઓ કરી હતી. તુલા મંદિરમાં થતી ગેરરીતિઓને લઈને કરવામાં આવેલ અરજીના અનુસંધાને ત્રણેય સખ્સોને સારૂ લાગ્યું ન હતું.

‘હવે પછી અરજી કરીશ તો જાનથી મારી નાખીશું’ એવી ધમકી આપી હતી. મારી નાખવાની ધમકીથી તંગ આવી જઈ અને મગજમાં અસર થઇ જતા હિમાંશુભાઈએ ફીનાઇલની અડધી બોટલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને લઈને દ્વારકામાં ચકચાર સાથે ચર્ચાઓ શરુ થઇ છે. તુલા મંદિરમાં કેવો વહીવટ ચાલે છે ? ખરેખર ભ્રષ્ટાચાર ચાર થઇ રહ્યો છે કે પછી બીજું કરી કારણ છે ? આ તમામ બાબતોને લઈને હાલ દ્વારકામાં આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.
