અકસ્માત અપડેટ : સાળા-બનેવીની નજર સામે જ બંનેની પત્નીઓના મોત, આ પ્રસંગે જામનગર આવતા હતા…

0
1199

જામનગર : ગઈ કાલે વડોદરા-સુરેન્દ્રનગરમાં થયેલ બે અકસ્માતમાં ૧૬ વ્યક્તિઓના મૃત્યુ નીપજયાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે જામનગર-ખંભાલીયા વચ્ચે મોડપર-ખટિયા પાટિયા પાસે એક કાર પુલ નીચે ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય ત્રણ પુરુષોને જામનગર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલ પરિવાર દ્વારકા જીલ્લાનો આહીર પરિવાર હોવાનું સામે આવ્યું છે. કલ્યાણપુર અને આસોટા ગામના પરિવારના સભ્યો જામનગર સબંધીને ત્યાં વાસતામાં આવતા હતા ત્યારે અકસ્માત થયો હોવાનું અને કાર રેલીંગ કુદી, પુલની રેલીંગ વટાવી ૩૫-૪૦ ફૂટ નીચે પડી હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં પતિઓની નજર સામે જ બે પત્નીઓના મૃત્યુ નીપજ્યા છે.

જામનગર-ખંભાલીયા વચ્ચેનો ધોરી માર્ગ આજે સવારે લોહીયાળ બન્યો હતો. જેની વિગત મુજબ, ખંભાલીયા-જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલ ખટિયા પાટિયાથી મોડપર ગામના પાટિયા પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર મોટા પુલ પરથી નીચે ખાબકી હતી. ૨૦ ફૂટથી પણ વધુ ઊંચાઈએથી નીચે ખાબકેલી કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી બે મહિલાઓને માથા સહીતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બન્નેના સ્થળ પર જ મૃત્યુ નીપજ્ય હતા. જયારે ચાલક સહીત ત્રણ પુરુષોને ઘાતક ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બે પુરુષોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

આ બનાવની જાણ થતા મેઘપર પોલીસ અને ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ અને ૧૦૮ સ્થળ પર પહોચે તે પૂર્વે એકત્ર થયેલ લોકોએ ઘાયલો અને મૃતકોને કાર બહાર કાઢી લીધા હતા. ૧૦૮ની ટીમે ત્રણ ઘાયલોને તાત્કાલિક જામનગર ખસેડ્યા હતા. મેઘપર પોલીસે બંને મૃતક મહિલાઓનો કબજો સંભાળી ઓળખવિધિ અને પંચનામા સહિતની તજવીજ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના રણજીતપર (નવાગામ) માં રહેતા નારણભાઈ પરબત કરન્ગીયા,તેના પુત્ર સુમિત અને પત્ની જશુંબેન સાથે જામનગરમાં રહેતા સબંધી દેશુરભાઈના મકાનના વાસ્તામાં સહભાગી બનવા આવતા હતા. નવાગામથી નીકળ્યા બાદ તેઓએ આસોટા ગામેથી તેમના સબંધી બનેવી હેમત રણમલ અને પાબીબેન નામના દંપતીને સાથે લીધા હતા. દરમિયાન કાર પુલ પર પહોચી ત્યારે અકસ્માતગ્રસ્ત બની હતી. મેઘપર પીએસઆઈ વાઢેરના જણાવ્યા અનુસાર સાળા-બનેવી દંપતી જામનગર ખાતે આવી મકાનના વાસતામાં સહભાગી બનવા આવતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here