વાયરલ ઓડિયો : સુરત બીજું વુહાન બની ગયું છે ? પણ આવી છે વાસ્તવિકતા

0
627

જામનગર : રાજ્યભરમાં કોરોનાની મહામારી તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. દરરોજ ૮૦૦ થી ૯૦૦ દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે સાથે સાથે દરરોજ મૃત્યુઆંક પણ ૨૫-૩૦ની વચ્ચે રહે છે. બીજી તરફ રાજ્ય સરકારના આ આકડાઓ સામે દરેક જિલ્લાઓમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. તંત્ર દ્વારા આપવામાં આવતા આકડાને લઈને ઉભી થયેલ સમસ્યા ઉકેલાય તે પૂર્વે સુરતથી એક ચિંતા જન્માવતો ઓડિયો વાયરલ થયો છે. સુરતમાં રોજ ૭૦ થી ૮૦ લોકોના મોત થઇ રહ્યા છે. એમ વાતચીત કરતા બે પુરુષો પૈકી એ આરોગ્ય શાખા સાથે જોડાયેલ હોવાનો દાવો ઓડિયોમાં થઇ રહ્યો છે. કથિત આરોગ્યકર્મી જ સુરતની બદસુરત અંગે તેના ઓળખીતાને જણાવી સુરત છોડી દેવાની સલાહ આપતો જણાઈ રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા જુદી જ હોવાનું જાણવા મળ્યું છે.

હાલ રાજ્યમાં કોરોનાનું લોકલ સંક્રમણ ખુબ જ વધ્યું છે. દરરોજ નવા નવા અનેક દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે. રાજ્યભરમાં સભ્ય સમાજમાં ભયનું લખલખું પ્રશ્રી ગયું છે એવા સમયે એક ઓડિયો વાયરલ થઇ છે. ઓડિયોની વાતચીત પરથી સુરત શહેરનો હોવાનું જણાઈ રહ્યું છે. જો કે આ ઓડિયોમાં સંભાળવા મળતા બંને પાત્રો કોણ છે ? એ પણ હજુ સ્પષ્ટ થયું નથી. બહારગામથી સુરત રોજગારી મેળવવા આવેલ બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ હોય એમ વાતચીત પરથી લાગે છે. રમેશ નામનો વ્યક્તિ ૧૦૮ સેવા સાથે સંકળાયેલ હોવાની વાતચીત પરથી સ્પષ્ટ થાય છે. રમેશ સામેના ચંદુભાઈ નામના વ્યક્તિને સલાહ આપે છે કે હાલ સુરતની હાલત બહુ જ ખરાબ છે. હોસ્પિટલસની તમામ બેડ ફૂલ હોવાનો અને દરરોજના ૭૦-૮૦ દર્દીઓના મોત થતા હોવાનો દાવો કરે છે. આગામી સમયમાં મૃતદેહ રોડ પર મુકવાની પણ દહેશત આ ઓડિયોમાં દર્શાવવામાં આવી છે. આરોગ્ય કર્મી પોતાની પ્રેગ્નન્ટ પત્નીને લઇ વતન જઈ શકે તેમ નથી એમ કહી ચંદુભાઈને જેમ બને તેમ સુરત છોડી વતન જવાની સલાહ આપે છે. જામગનર અપડેટ્સ દ્વારા ઓડિયો અંગેની ખરાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બંને વ્યક્તિઓ સુધી પહોચી શકાયું નથી. ઓડિયોની પુષ્ટિ થવા પામી નથી, સુરતના જુદા જુદા વિસ્તારમાં રહેતા નાગરિકો અને મીડિયાકર્મીઓ તેમજ આરોગ્ય કર્મીઓએ આ ઓડીયોને લઈને સવાલ કર્યા છે. સુરતની સ્થિતિ જરૂરથી કપરી છે પણ ઓડિયોમાં દર્શાવવામાં આવેલ મોત સુધી પહોચી નથી એમ આરોગ્યકર્મીઓ જણાવી રહ્યા છે ત્યારે ઓડિયો વાયરલ કરનાર સખ્સો સામે પોલીસે ખુદ ફરિયાદી બની, સમાજમાં ફેલાયેલ ભયને દુર કરવો જોઈએ એમ સુરતીઓએ મત દર્શાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here