ઉચાટ : જીલ્લા સહકારી બેંકની ચૂંટણી પૂર્વે આ બે નેતાઓને રાહત, પણ મુશ્કેલી છે માથે….

0
573

જામનગર: જામનગર જીલ્લા કો-ઓપરેટીવ બેંકની સતા કબજે કરવા ભાજપા-કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ શરુ થયો છે. છેલ્લી બે ટર્મથી બેંક પર કબજો જમાવનાર કોંગ્રેસને આ વખતે પછડાટ આપવા માટે ભાજપે સહકારી ક્ષેત્રના મજબુત ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જો કે સહકારી ક્ષેત્ર સતાવાર રીતે કોઈ પાર્ટી સાથે સંલાયેલ નથી પરંતુ અનૌચારિક રીતે સતા કબજે કરવા બંને પાર્ટીઓના નેતાઓ એડીચોટીનું જોર લગાવતા હોય છે. લાંબા સમયથી સતા વિહોણા ભાજપે આ વખતે સતા કબજે કરવા સામ,દામ દંડની રાજનીતિ અપનાવી હોવાનું રાજકીય પંડિતોએ જણાવ્યું છે તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા સતા જાળવી રાખવા માટે કવાયત કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી જાહેર થયા બાદ કુલ ૬૭ ફોર્મ રજુ થયા હતા. જે ફોર્મની ગઈકાલે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જો કે ફોર્મ ચકાસણી થાય તે પૂર્વે ભાજપના દિગ્ગજ ઉમેદવારો સામે વાંધા અરજીઓ રજુ કરવામાં આવી હતી. જેમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ અને જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજાનો સમાવેશ થતો હતો. જો કે બંને ઉમેદવારો સામે થયેલ વાંધાઓ મામલતદારે ફાજલ કરી નાખ્યા છે. પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ સામે કોંગ્રેસના હેમત ખવાએ ત્રણ વાંધા લીધા હતા. જેમાં એક  જ વ્યક્તિ બે ગામમાં કઈ રીતે રહી શકે ? કોઈ પણ વ્યક્તિ બે મંડળીના સભ્ય રહી શકે ? સહિત ત્રણ વાંધાઓ રજુ કરવામાં આવ્યા હતા. હેમત ખવાના જણાવ્યા મુજબ સહકારી ક્ષેત્રની ચુંટણીઓની આચારસહિતા ભંગ કરતા આ ત્રણેય વાંધા હાલ ચુંટણી ઇન્ચાર્જ રહેલ મામલતદારે ગ્રાહ્ય રાખ્યા નથી પરંતુ આચારસહિતાથી વિરુધના આ વાંધો હોવાથી અમે હાઈકોર્ટ જશું અને એ માટે કાનૂની પ્રક્રિયા હાથ ધરી દીધી છે એમ પણ ઉમેર્યું હતું. તો બીજી તરફ ધારાસભ્ય રાઘવજી પટેલ સામે પણ કોર્ટની સજા સહિતના વાંધાઓ રજુ થયા હતા પરંતુ એ પણ ગ્રાહ્ય  રહ્યા નથી. આમ ચાલુ  ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો સહીતનાઓ સામે કુલ ૨૭ વાંધાઓ રજુ થયા હતા તે હાલ તમામ વાંધો રદ કરી દેવામાં આવ્યા છે.   

ઉલ્લેખનીય છે કે જીલ્લા સહકારી બેંકના કુલ ૧૪ વિભાગોમાં ૮૪૫ મતદારો છે. ખેડૂત, સહકારી અને વેપારી સહિતના વિભાગો કબજે કરવા બંને પક્ષ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આગામી તા.૧૩મીના રોજ મતદાન થશે અને તા. ૧૬મીના રોજ ડીકેવી કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here