જામનગર : રાજ્યભરમાં નવેમ્બર માસના બીજા સપ્તાહથી શરુ થયેલ ભૂકંપના આંચકાઓનો દોર સતત અવિરત રહ્યો છે. છેલ્લા સપ્તાહ દરમ્યાન ભૂકંપના આઠ આંચકા આવ્યા છે. જેમાં અડધા આંચકા કચ્છ અને વલસાડ જીલ્લામાં નોંધાયા છે. જો કે આ તમામ આંચકાઓની તીવ્રતા બે અને ત્રણ રીચેસ સ્કેલ વચ્ચે છે પણ સતત વધતા જતા આંચકાઓ ભય ઉભો કરી રહ્યા છે.

રાજ્યભરમાં ભૂકંપના આંચકા વધતા થોડી ચિંતા જન્માવી છે. એમાય છેલ્લા સપ્તાહમાં તો દર દિવસે આંચકા અનુભવાયા છે. છેલા સપ્તાહમાં રાજ્યમાં આઠ વખત ભૂકંપ આવ્યો છે. સિસ્મોલોજી વિભાગની સતાવાર વેબસાઈટ પર નોંધાયેલ આંકડા મુજબ વાત કરવામાં આવે તો, તા. ૮ મીના રોજ વલસાડથી ૬૦ કિમી દુર નજીક ૨.૨ની તીવ્રતા વાળા ભૂકંપથી શરુ કરી તા. ૧૪મીએ આઠમો છેલ્લો આંચકો પણ વલસાડ જીલ્લામાં નોંધાયો હતો. એક જ સપ્તાહમાં નોંધાયેલ આઠ પૈકી ત્રણ -ત્રણ આંચકા વલસાડ અને કચ્છમાં નોંધાયા છે. જેમાં તા. ૯,૧૦ અને ૧૧ એમ ત્રણ દિવસમાં ત્રણ વખત કચ્છની ધરા ધ્રુજી હતી. જેની તીવ્રતા ૨ થી ૩ રીચેસ સ્કેલ વચ્ચે રહી છે. જયારે વલસાડમાં ગઈ કાલે રવીવારે નોંધાયેલ બે સહીત સપ્તાહમાં ત્રણ આંચકા નોંધાયા હતા. જેની તીવ્રતા બે રીચેસ સ્કેલ ઉપરાંતની રહી છે. અન્ય બે આંચકાઓ ઉતર ગુજરાતના ડીસામાં નોંધાયો હતો. જયારે એક આંચકો મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં નોંધાયો છે. જે બંનેની તીવ્રતા અનુક્રમે ૨.૩ અને ૨.૪ રીચેસ સ્કેલ રહી છે. છેલ્લા એક વર્ષની સ્થિતિ જોવામાં આવે તો કુલ ૧૬ આંચકા નોંધાયા છે. જેમાં સૌથી વધુ તીવ્રતા ૪.૫ની રહી છે. ગત ઓગસ્ટ મહિનામાં ૧૯મી તારીખે જામનગરમાં પણ ૪.૩ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો.
આંકડાકીય વિગતને ધ્યાને રાખી તારણ કાઢીએ તો છેલ્લા એક વર્ષમાં ૧૬ આંચકા નોંધાયા છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં જ સાત આંચકાનો સમાવેશ થાય છે એટલે ભૂકંપનાં આંચકાઓનું સતત વધતું પ્રમાણ સતત ચિંતા ઉભી કરી રહ્યું છે.