જામનગર : પ્રેમિકાને ગીફ્ટ મોકલવા યુવાને પોતાના જ ઘરમાં ખાતર પાડી લુંટનું નાટક કર્યું

0
1676

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ઇન્દિરા સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરે ત્રાટકી બંદુક ધરી ત્રણ લુટારુઓએ આચરેલી લુંટની ઘટના ઉપજાવી કાઢેલ હોવાનું સામે આવ્યું છે. લગ્ન વિચ્છેદ બાદ ઘરમાં પડેલ હારને વેચી મારી પ્રેમિકાને ગીફ્ટ આપવા અને પોતાનો કબ્બડી રમવા માટે અન્ય રાજ્યમાં જવાનો ખર્ચ કાઢવા યુવાને પોતાના જ ઘરમાં ખાતર પાડ્યું હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ઇન્દિરા સોસાયટીમાં રહેતી એક મહિલાએ ગઈ કાલે વહેલી સવારે પોલીસ કંટ્રોલ ફોન કરી જાણ કરી હતી કે પોતાના ઘરે બંદુક સાથે ઘુસી આવેલ ત્રણ સખ્સો રૂપિયા ત્રીસ હજારની રોકડ અને અગ્યાર તોલા સોનાની ચોરી કરી નાશી ગયા છે. જેને લઈને સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોચ્યો હતો. ત્યારબાદ તપાસમાં એલસીબીએ પણ જુકાવ્યુ હતું. પોલીસે ઘરની વેવીખેર હાલતનું નિરીક્ષણ કરી તપાસ શરુ કરી હતી, દરમિયાન આ વિસ્તારમાં આવેલ સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા હતા. જેમાં પણ વહેલી સવારે જે તે સમયે કોઈ શંકાસ્પદ અવરજવર સામે આવી ન હતી. ત્યારબાદ પોલીસે ઘર માલિક કેશુરભાઈ જોગલ અને તેના પત્નીના નિવેદન નોંધ્યા હતા. જે નિવેદનમાં વિરોધાભાસ સામે આવ્યો હતો જેને લઈને લુંટ કરી નાશી ગયેલ સખ્સોની પાછળ તેનો પુત્ર બાબુ ગયો હોવાનું સામે આવતા પોલીસે તેનો સંપર્ક કરી ઘર બોલાવ્યો હતો. ત્રણ ચાર કલાક બાદ બાબુ પડી ભાંગ્યો હતો અને પોતાએ જ લુંટનું નાટક ઉભું કર્યું હોવાનું કબુલ્યું હતું. પાંચ-છ વર્ષ પૂર્વે પોતાના થયેલ લગ્ન એક જ વર્ષમાં વિચ્છેદ થયા હતા. અને પત્નીને આપેલ દાગીના પરત લઇ લીધા હતા. જો કે  ત્યારબાદ તેનું અન્ય જગ્યાએ સગપણ થયું ન હતું.  બીજી તરફ કોરોનાને કારણે લોકડાઉન થતા પૂર્વે પોતે જબલપુર ખાતે નોકરી કરવા ગયો હતો. જ્યાં એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ ઉપરાંત પોતે કબ્બડી રમવાનો શોખ હોવાથી અને અન્ય રાજ્યમાં કબ્બડી રમવા જતો હોવાથી આર્થિક સંકળામણ ઉભી થતી હતી. પોતાની પ્રેમિકાને ભેટ આપવા અને કબડ્ડીનો શોખ પૂરો કરવા માટે આ જ યુવાને તેના ઘરમાં પડેલ પૂર્વ પત્નીને આપેલ સોનાનો હાર પડ્યો હોવાથી તેની નજર તેના પર પડી હતી. જેને લઈને ઘરમાંથી સોનાના હારની ચોરી કરી વેચી માર્યો હતો. આ ઘટનાની પોતાની માતાને જાણ કરી તે ઘરેથી નીકળી ગયો હતો અને તેની માતાને લુંટ અંગે પોલીસને જાણ કરવા કહ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં ભાંડો ફૂટી જતા સમગ્ર ઘટના સામે આવી હતી. યુવાન બાબુ જોગલે તો હાર કેટલાય સમયથી વેચી માર્યો હતો પરંતુ પોતાના મોટાભાઈના પત્નીને લગ્ન પ્રસંગે બહાર ગામ જવાનું હોવાથી તેઓએ હાર પહેરવા માંગ્યો હતો. હાર વેચી નાખ્યો છે એમ ઘરે ભાંડો ફૂટી જશે એમ લાગતા બાબુએ માતાને સમજાવી લુંટનું નાટક કરવા કહ્યું હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here