જામનગરમાં છેલ્લા ત્રણ માસના ગાળામાં એક બેરોજગાર યુવાનને બે સખ્સોએ આંગડીયા પેઢીમાં સારા પગારની નોકરી અને મુંબઈમાં સેટલ થવાની લાલચ આપી તેના નામની બોગસ પેઢી ખોલી નાખી આર્થિક વ્યવહારો કરી છેતરપીંડી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. બંને સખ્સોએ યુવાનનું બેંક એકાઉન્ટ ખોલાવવા ડોક્યુમેન્ટ મેળવી યુવાનની જાણ બહાર આર્થિક વ્યવહારો કરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં સ્વામીનારાયણનગરમાં શેરી નંબર પાંચમાં રહેતા હરીશભાઇ જેઠાભાઇ પરમાર નામના યુવાને શહેરના જ જતીન પાલા તથા મોહીત ઉર્ફે વિવેક પરમાર નામના સખ્સો સામે સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં ત્રણેક માસ પૂર્વે બંને સખ્સો સંતોષી માતાના મંદિર પાસે મળ્યા હતા અને નોકરીની વાતચીત કરી હતી. હરીશને આંગળીયા પેઢીમા ઉચ્ચ પગારે નોકરી આપવાની તથા મુબંઇ સ્થાઇ થવા માટેની લાલચ આપી હતી. તેમજ હરીશનો પગાર બેંકમાં જમા થાય તે માટે ચાલુ ખાતુ તથા બચત ખાતુ ખોલવા માટે જરુરી ડોક્યુમેન્ટ પણ બંને સખ્સોએ મેળવી લઇ ખાતું ખોલાવ્યું હતું. બંને આરોપીઓએ યુવાનને વીશ્વાસમા લઈ, ખાનગી દસ્તાવેજો મેળવી, તેના નામની ખોટી પેઢી બનાવીને યુવાનના ચાલુ ખાતામા બન્ને આરોપીઓએ, પુર્વ આયોજીત કાવતરૂ ઘડી, તેની જાણ બહાર બેનામી શંકાસ્પદ આર્થીક વ્યવહારો કરીને છેતરપીંડી તથા વીશ્વાસઘાત કર્યો હતો. જેની જાણ થઇ જતા યુવાને પોલીસમાં જાણ કરી બંને સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઈ આર ડી ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.