Special Ops : સ્પેશ્યલ ઓપ્સમાં હવે શું ? હવે કોનો વારો ? હાલારમાં એક જ ચર્ચા

0
1405

જામનગર : જામનગર પોલીસ દ્વારા છેલ્લા એક માસથી જમીન માફિયા જયેશ પટેલ સામે સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત પોલીસે જયેશ પટેલના ગુન્હાખોરી સંભાળતા સાગરીતોને પ્રથમ ચરણમાં પકડી પાડ્યા બાદ બીજા ચરણમાં વ્હાઈટ કોલર સાગરીતો સામે ગાળિયો મજબુત કશી ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી ૧૧ સખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જયારે જયેશ સહિત ત્રણ આરોપીઓ હજુ ફરાર છે અને જાડેજા બંધુઓ હજુ રિમાન્ડ પર છે. ત્યારે હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એક જ મુદ્દો, ‘હવે કોણ’ ? પોલીસ આ પ્રકરણમાં કોઈ કચાસ છોડવા માંગતી ન હોય તેમ માત્ર ચુનિંદા સ્ટાફ પુરતું જ આ ઓપરેશન સીમિત રાખ્યું છે. ત્યારે દિવસેને દિવસે આ પ્રકરણ નવા નવા સમીકરણો સાથેની ચર્ચાઓ જોર પકડતી જાય છે. પોલીસ પણ થોડી રાહ જોવાનું અને ચોક્કસ દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જણાવી રહી છે. ત્યારે હવે કોનો વારો ? એ સવાલ વધુ પ્રબળ બન્યો છે.

જામનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપ્સ અંતર્ગત પોલીસે ત્રણ તબક્કામાં ઓપરેશનને પાર પાડવાનો એક્શન પ્લાન ઘડ્યો હોય તેમ છેલ્લા એક  માસની કાર્યવાહી પરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે. ઓપરેશનના પ્રથમ ચરણમાં જયેશ પટેલના ઇસારે ગુનાઓને અંજામ આપતા કુખ્યાત સખ્સોને એક જ સપ્તાહમાં ઉઠાવી લીધા હતા. ઇકબાલ બાઠીયો, અનવર ઉર્ફે અનીયો લાંબો, એજાજ મામો, રઝાક સોપારી અને તેના ભાઈ હુસેન સહિતના સખ્સોને પકડી જેલ ભેગા કરી દીધા છે. બીજા તબક્કામાં જયેશ પટેલ સાથે સંકળાયેલ વ્હાઈટ કોલર સાગરીતો સામે મજબુત સકંજો કસવામાં આવ્યો હતો. જેમાં બિલ્ડર નીલેશ ટોલિયા, ભાજપના કોર્પોરેટર અને કૃષિ મંત્રી આરસી ફળદુની નજીકના ગણાતા એવા અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, બિલ્ડર મુકેશ અભંગી, અનીલ પરમાર, જીગર ઉર્ફે જીમ્મી આડતિયા, બિલ્ડર પ્રફુલ પોપટ, પ્રવીણ ચોવટિયા સહિત આઠ સખ્સોની ધરપકડ કરી હતી. જયારે બિલ્ડર મુકેશ અભંગીના સગા ભાઈ રમેશ અભંગી, વકીલ વસંત માનસતા, યશપાલસિંહ જાડેજા અને તેના ભાઈ જશપાલસિંહ જાડેજા તેમજ સુનીલ ચાંગાણીની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ પ્રકરણમાં જયેશ પટેલ, સુનીલ ચાંગાણી અને રમેશ અભંગી સુધી પહોચી શકી નથી. બીજી તરફ રિમાન્ડ પર રહેલા વકીલ માનસતાના રિમાન્ડ પૂર્ણ થતા આજે જામનગર જેલ ધકેલી દેવાયા છે. જયારે જાડેજા બંધુઓના હજુ બે દિવસ પછી રિમાન્ડ પૂર્ણ થશે.

નવ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઇ ચુક્યા છે અને તમામ જેલમાં ધકેલાયા છે, જે પૈકીના પ્રફુલ પોપટ અને જીમ્મી આડતિયાએ તો જામીન અરજી પણ કરી દીધી  છે. છતાં પણ પોલીસ કઈ દિશામાં અને તપાસ દરમિયાન કેટલો પ્રોગ્રેશ થયો તેના વિષે એક શબ્દ બોલવા તૈયાર નથી. જે જે આરોપીઓ સાથેના જયેશ પટેલના જેવા સબંધો છે તેના તરફ કાર્યવાહી થઇ રહી હોવાનું જ તપાસકર્તા અધિકારી એએસપી નીતેશ પાંડે જણાવી રહ્યા છે. તપાસ દરમિયાન નવા સખ્સોની સંડોવણી ? જયેશ પટેલના સગડ ? સહિતના પ્રશ્નો હજુ અનુતર જ રહ્યા છે. ત્યારે આ બાબતે એએસપી પાંડેનું માનવામાં આવે તો તપાસ યોગ્ય દિશામાં અને આયોજન મુજબ જ ચાલી રહી છે. સમય આવ્યે અમુક સખ્સોની ધરપકડ કરવામાં આવશે એમ પણ પાંડેએ જણાવ્યું  છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હવે શું ? ગુજસીટોક કાયદા હેઠળ જે આરોપીઓના નામ જાહેર થયા છે તે પૈકીના ત્રણ આરોપીઓ સુધી પોલીસ પહોચી શકી નથી તે વાસ્તવિકતા છે ત્યારે અન્ય  વ્હાઈટ કોલર સખ્સોની સંડોવણીને લઈને અને આ સખ્સોની અટકાયત ક્યારે? એવા પ્રશ્નોએ જોર પકડ્યું છે. હજુ અમુક બિલ્ડર, ક્રિમીનલ હિસ્ટ્રી ધરવતા ત્રણ સખ્સો, રાજકારણીઓ સહિતના સખ્સોની યોગ્ય સમયે ધરપકડ કરવામાં આવશે એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પરંતુ પોલીસ સતાવાર રીતે એક પણ નવી ધરપકડ કે અટકાયત કે પૂછપરછ સુધ્ધાને સમર્થન આપતા નથી. બે દિવસ પછી જાડેજા બંધુના રિમાન્ડ પણ પૂર્ણ થઇ જશે અને આ પ્રકરણ શાંત પડી જશે એ વાત ચોક્કસ છે. ત્યારે પોલીસ આ પ્રકરણમાં બે જ દિવસમાં નવા જૂની કરશે અને તેની ગુંજ રાજ્ય બહાર સુધી સંભાળાશે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ચર્ચાઓમાં કેટલું સાતત્ય છે તે પણ બે દિવસમાં સામે આવી જશે. હાલ તો પ્રકરણ તળાવના પાણીની જેમ થંભી ગયું છે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here