જામનગરમાં વકરી રહેલી ગુન્હાખોરી અને જયેશ પટેલના ગુન્હાઓનો આતંક પ્રબળ બનતા સરકાર સફાળી જાગી હોય તેમ ક્રાઇમબ્રાન્ચના ડીસીપીને જામનગર એસપી તરીકેનો ચાર્જ સોંપ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે આજે વધુ બે પીઆઈની સિંગલ ઓર્ડર થી જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ભૂમાફિયા જયેશ પટેલ ઉપરાંત અન્ય માથાભારે શખ્સોને કડક હાથે ડામી દેવા સરકારે સિકંજો કસ્યો છે. આજે થયેલા બે પીઆઈના ઓર્ડર જામનગરમાં આગામી સમયમાં નવાજૂનીના એંધાણ તરફ દિશા નિર્દેશ કરે છે. છેલ્લા એક દસકામાં અનેક જમીન કૌભાંડો આચરી જયેશ પટેલ તગડો ભૂમાફિયા બની ગયો છે. એક પછી એક એમ ત્રીસ જેટલા જમીન કૌભાંડો આચરી માલામાલ બની ગયેલ જયેશ પટેલ હાલ પોલીસ માટે શિરદર્દ બની ગયો છે.
પોલીસની મીઠી નજર અને કાયદાની છટકબારીના સહારે ગુન્હાખોરીમાં સતત આગળ વધી રહેલા જયેશ પટેલે વર્ષ ૨૦૧૮માં વકીલ કિરીટ જોશીની હત્યા નીપજવ્યા બાદ શહેરમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. ભૂગર્ભમાં રહીને છાશવારે ખંડણી અને પ્રોટેકશન મની માટે સમયાંતરે ફાયરીગ કરવી બિલ્ડર લોબીને ભય પમાડવાનો જાણે સીરસ્તો અપનાવ્યો હોય તેવો માહોલ નિર્માણ પામ્યો છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પોલીસના પીઠબળ અને રાજકારણના સપોર્ટ વગર જયેશનું સામ્રાજ્ય શક્ય જ નથી. ત્યારે જામનગર માટે વધુ મુસીબત ઊભી કરે તે પૂર્વે ભૂમાફિયાને નાથવો જરૂરી બન્યો હોય તેમ સરકાર સફાળી જાગી છે.
તાજેતરમાં એસપી તરીકે દીપેન ભદ્રનની નિમણૂક બાદ સિંગલ ઓર્ડરથી ક્રાઇમ બ્રાન્ચમાં એસપી ભદ્રન સાથે કામ કરી ચૂકેલા તેઓના વિશ્વાસુ કેજી ચૌધરી (આણંદ) અને એસએસ નિનામા (પોલીસતાલીમ કેન્દ્ર સોરઠ) થી નિમણૂક કરવામાં આવી છે. આ ઓર્ડરના સમીકરણો આ વાતને સમર્થન આપતા હોય તેમ બુદ્ધિજીવીઓએ મત દર્શાવ્યો છે. જો આ ચર્ચાઓમાં શક્ય છે કે તેમ તેનો તાગ ટૂંક સમયમાં જ મળી જશે.