જામનગર : કુખ્યાત ભૂ માફિયા ગેંગના સાગરીતોને હથિયાર સપલાય કરનાર મધ્યપ્રદેશના સખ્સને જામનગર એસઓજી અને એટીએસની ટીમે દબોચી લીધો છે. આજે અમદાવાદ આવી પહોચેલી ટીમે આરોપીની વિધિવત અટકાયત બતાવી છે. આવતી કાલે આરોપીને લઇ એસઓજીની ટીમ જામનગર આવી પહોચશે.

જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલના ગુનાખોરીના સામ્રાજ્યને ઢેર કરવા એસપી ભદ્રનની નિમણુક બાદ તેની પોતાની વિશ્વસનીય ટીમને મેદાને ઉતારી સ્પેશ્યલ ઓપરેશન હાથ ધર્યું છે. જામનગરમાં ફેલાયેલ ગુંડાગીરી અને જયેશ પટેલની રાજકીય અને ખુદ પોલીસ તંત્રની છત્રછાયાને નાબુદ કરવા માટેના ઓપરેશનના ભાગ રૂપે ગઈ કાલે જ જામનગર એસઓજી અને એટીએસની ટીમ મધ્યપ્રદેશ પહોચી હતી. જેમાં કુખ્યાત જયેશ પટેલના સાગરીતોને હથિયાર પુરા પાડનાર બલવીરસિંહ ઉર્ફે બબલુ અશોકસિંહ કતરસિંહને ઉઠાવી લીધો છે. મધ્યપ્રદેશના ધાર જીલ્લાના મનાવર તાલુકાના પટવા ગામના સખ્સને પોલીસે ઉઠાવી અમદાવાદ લઇ આવી છે. નવ માસ પૂર્વે જયેશ પટેલ આણી ટોળકીએ ઓસવાળ કોલોનીમાં રહેતા પ્રોફેશર ભગવાનજીભાઈ રાજાણી પર ફાયરીંગ કરી એક કરોડની ખંડણી વસુલવા પ્રયાસ કર્યો હતો. આ વારદાત જયેશના સાગરિત ઇકબાલ બાઠીયા સહિતના ચાર સખ્સોએ આચરી હતી. જેની કબુલાતના આધારે આજે ઓપરેશન જયેશના ભાગ રૂપે મધ્યપ્રદેશથી આરોપી બબલુને આંતરી લેવાયો છે. આવતીકાલે એસઓજી પોલીસ આ સખ્સને લઈને જામનગર આવશે. આરોપી બબલુએ જયેશ પટેલના સાગરીતો ઉપરાંત સૌરાષ્ટ્રભરના અનેક અસામાજિક તત્વોને હથિયારો પુરા પાડ્યા હોવાનું સામે આવ્યું છે.