જામનગર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આજે શહેર અને જિલ્લા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. જો કે આ કાર્યક્રમ પૂર્વે પ્રચાર-પ્રસાર માધ્યમોમાં શહેર ભાજપના આમંત્રણ પત્રમાં કેબીનેટ મંત્રી રાઘવજી પટેલના નામની બાદબાકીને લઈને ભાજપમાં સખળ દખળ અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. આ બાબતે શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓના જણાવ્યા મુજબ બંને કાર્યક્રમમાં જે નામાવલી દર્શાવવામાં આવી છે તે પાર્ટીના પ્રોટોકોલ મુજબ જ છપાઈ છે. અને શહેર-જિલ્લા ભાજપની ટિમ પક્ષની કાર્યપ્રણાલી મુજબ કામ કરી રહી છે. પક્ષમાં વિવાદને કોઈ સ્થાન જ નથી એમ તેઓએ ઉમેર્યું હતું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ રાજ્યભરમાં સ્નેહમિલન કાર્યક્રમ ચાલી રહ્યા છે. ત્યારે આજે જામનગર શહેર અને જિલ્લા ભાજપનો ઓસવાળ સેન્ટર ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પૂર્વે શહેર ભાજપની આમંત્રણ પત્રિકામાં કેબીનેટ મંત્રીના નામની બાદબાકીને લઈને ચર્ચાઓ જાગી હતી કે ભાજપમાં આંતરિક ડખ્ખાને લઈને ચર્ચાઓ જાગી હતી. શહેર ભાજપના આમંત્રણમાં મંત્રીના નામની બાદબાકીને લઈને શહેર ભાજપ પ્રમુખ વિમાલ કગઠરાએ રદિયો આપતા જણાવ્યું હતું કે બંને કાર્યક્રમમાં જે નામાવલી દર્શાવવામાં આવી છે તે પાર્ટીના પ્રોટોકોલ મુજબ જ છપાઈ છે. અને શહેર-જિલ્લા ભાજપની ટિમ પક્ષની કાર્યપ્રણાલી મુજબ કામ કરી રહી છે. પક્ષમાં વિવાદને કોઈ સ્થાન જ નથી એમ તેઓએ ઉમેર્યું હતું. કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ જામનગર ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેથી જિલ્લા ભાજપની આમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલ મુજબ નામ દર્શાવ્યું છે જ્યારે શહેરની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મંત્રી આરસી ફળદુના નામ અંગેની ચર્ચાઓનું ખંડન કરતા તેઓએ ઉમેર્યું હતું કે આરસી ફળદુ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ હોવાથી પ્રોટોકોલ મુજબ તેનું નામ પ્રથમ છે. બાકી પક્ષમાં કોઈ વિવાદને સ્થાન જ નથી. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે જેમાં આંતરિક વિવાદને કોઈ સ્થાન નથી.