જામનગર : સિટી એ ડિવિઝન પોલીસ દફતરના પીએસઓની ધરપકડ

0
2039

જામનગરમાં ગત્ રવિવારે બપોરે કિશાન ચોક વિસ્તારમાં બે સુમરા જૂથ વચ્ચે શસ્ત્ર અથડામણ થતાં સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા બન્ને પક્ષે અમુક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ધરપકડ કરાયેલા એક જૂથના આરોપીએ પોલીસને ચકમો આપી નાસી છૂટયો હતો. આ પ્રકરણમાં બેદરકારી દાખવનાર સિટી એ ડિવિઝન પોલીસ દફતરના પીએસઓની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.


સુમરા ચાલીમાં રવિવારે બપોરે નજીવી બાબતે થયેલા ધીંગાણામાં હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધાયા બાદ પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પોલીસે બન્ને જૂથના પાંચથી છ શખસોની ધરપકડ કરી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ શરૂ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપી પૈકીના એક આરોપી એવા તોસીમ આમદે વોશ રૂમ જાવાની માંગણી કરતા પોલીસે તેને એકલાને બાથરૂમ જઇ પરત આવવાનું કહ્યું હતું. જો કે આરોપી પરત આવવાને બદલે પોલીસને ચમકો આપી એ ડિવિઝનના પગથિયા ઉતરી નાસી ગયો હતો.
જેની જાણ થતાં જ સિટી એ ડિવિઝન પોલીસ દફતરના પીઆઇ સહિતનો સ્ટાફ આરોપીને શોધવામાં લાગ્યો હતો. આરોપી નાસી જતાં શહેરભરમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આરોપીની શોધ માટે ત્રણેય ડિવિઝન ઉપરાંત એલસીબી અને એસઓજીનો સ્ટાફ પણ મેદાનમાં ઉતરી હતી જે બાદ આરોપીને શહેરમાંથી જ પકડી પાડવામાં આવ્યો હતો.હત્યા પ્રકરણનો આરોપી ભાગી જતાં પોલીસ કર્મચારીઓનો શ્ર્વાસ અધ્ધર ચડી ગયો હતો. જોકે, મોડેથી પકડાઇ જતાં પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
બીજી તરફ આરોપી નાશી જતાં પીએસઓ રસીકભાઇ શીંગાળા સામે પોલીસે ફરજમાં બેદરકારી સબબ ફરિયાદ નોંધી હતી. જેને લઇને આજે પીએસઓ શિંગાળાની ધરપકડ કરી લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here