સલાયા : ડ્રગ્સ પ્રકરણમાં મોટો ખુલાસો, જાણો કન્સાઈનમેન્ટ રૂટ, પાંચ વર્ષમાં સલાયા બંદરથી ખેલાયો છે આવો સ્મગલિંગ ખેલ

0
1087

જામનગર : અમદાવાદ એટીએસ દ્વારા વર્ષ ૨૦૧૮માં દ્વારકા જીલ્લાના સલાયામાંથી બે સખ્સોને ઉઠાવી  લેવામાં આવ્યા હતા. પોલીસે જે તે સમયે ૧૫ કરોડનો જથ્થો કબજે કરી બંને સખ્સોના સાત દિવસના રિમાન્ડ લઇ પૂછપરછ કરી હતી જેમાં વધુ પાંચ સખ્સોની સંડોવણી સામે આવી હતી. પોલીસે જે તે સમયે પકડાયેલ સખ્સોને જેલ હવાલે કર્યા હતા. લાંબા સમય બાદ એ કેશમાં દેશની સર્વોચ્ચ એજન્સી એનઆઈએએ જંપલાવ્યું છે. પાકિસ્તાન સાથે જોડાયેલ તારનો ખુલાસો થતા એનઆઈએની ટીમે ભુજ જેલમાં રહેતા કુલ સાત આરોપીઓનો કબજો સંભાળી બીજી વખત રિમાન્ડ મેળવ્યા છે.

બે વર્ષ પૂર્વે ગુજરાત એટીએસની ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા બંદર પર દરોડો પાડી અઝીઝ અબ્દુલ ભગાડ અને રફીક નામના બે સખ્સોને પકડી પાડી પાંચ કિલો હેરોઈન સાથે પકડી પાડ્યા હતા. એટીએસની ટીમે જે તે સમયે આરોપીઓને રિમાન્ડ પર પૂછપરછ કરી હતી જેમાં વધુ પાંચ સખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પર લઇ જેલ હવાલે કર્યા હતા. એટીએસ દ્વારા આરોપી રફીક અને અઝીઝની પૂછપરછમાં અનેક નવા ખુલાસા થયા હતા.

ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઇસ્લામાબાદ નજીકના નાના ગામ બવાહલપૂરથી ગ્વાદર પોર્ટથી મોકલવામાં આવ્યો હતો. બવાહલપુર નજીકમાં આતંકી સંગઠનનું હેડકવાર્ટર આવેલું છે. ડ્રગ્સનો જથ્થો ભારતના સીમાડામાં આવ્યા બાદ અઝીઝના કહેવાથી તેની વહાણ લઇ રફીક સુમરા ગયો હતો તેણે ડ્રગ્સ લોડ કર્યું હતું. 5 કિલો ડ્રગ્સ માંડવીમાં મોકલાયું હતું. અન્ય 100 કિલો ડ્રગ્સનો જથ્થો ઉત્તર પૂર્વના રાજ્યોમાં મોકલવામાં આવ્યો હતો. જે તે સમયે થયેલા ખુલાસા મુજબ ડ્રગ્સ કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત રફીકે પાકિસ્તાનમાં કોનો સંપર્ક કર્યો હતો તેની માહિતી મળતાં આતંકીઓને શોધવાની કાર્યવાહી કરવામાં આવે તે પૂર્વે ભારત સરકારે આ પ્રકરણમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને તપાસ સોપી હતી. એનઆઈએની ટીમની ગુજરાત આવી ભુજની જેલમાં રહેલા સાતેય આરોપીઓનો કબજો સંભાળી રિમાન્ડ પર લીધા હતા. દરમિયાન વધુ પુછપરછ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેમાં વિદેશી ડ્રગ માફિયાઓના નામ સામે આવ્યા છે.

સલાયા અને પંજાબના સખ્સોએ સાથે મળી ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પંજાબના કુખ્યાત સ્મગ્લર સમરજીતસિંહ સંધુની મુખ્ય ભુમિકા સામે આવી છે. વિદેશ ભાગી ગયેલ પંજાબી સખ્સ ગુજરાત અને પંજાબના સખ્સોથી સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. પાકિસ્તાનના ગ્વાદર બંદરથી સલાયા અને કચ્છના દરિયા કાઠેથી એકંદરે રૂપિયા ૧૫૦૦ કરોડનું ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જૂદાજુદા સમયે ઉતારી લેવામાં આવ્યું હોવાનું અને સલાયાથી ઉતરગુજરાત થઈ વાયા રાજસ્થાનથી પંજાબ લઇ જવાતું હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આ રેકેટમાં હેરોઈન, કોકેઇન જેવા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે. પંજાબી સખ્સ સામે સરકારે રેડ કોર્નર નોટીસ પણ ઇસ્યુ કરી છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ ક્યાં દેશમાં છે તેની પણ ઠોસ વિગતો મળી નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫માં સલાયામાં બંદરથી સામે આવેલ સોનાની દાણચોરી બાદથી  દર વર્ષે સમલિંગ રેકેટ પકડાતું આવ્યુ છે. જેમાં વર્ષ વર્ષ ૨૦૧૮માં અડધા કરોડનું હેરોઈન પ્રકરણ, ત્યારબાદ સલાયા બંદરે ઉતરેલ મીથામ ફેન્ટામાઇન ડ્રગ્સ અને હેરોઈન ડ્રગ્સનાં રેકેટને જામનગર પોલીસે ઉજાગર કર્યું હતું.

આ ઉપરાંત દ્વારકા એસઓજીએ જે તે સમયે કેશરની દાણચોરી પણ પકડી પાડી સલાયાના સખ્સો સામે કરી હતી. ભૂતકાળમાં સોના ચાંદી અને ઘડિયાળ સહિતની દાણચોરીમાં પંકાઈ ગયેલ સલાયા બંદરથી છેલ્લા પાંચ વર્ષથી નવેસરથી સમ્ગ્લીંગ શરુ થયું હોવાનું સામે આવી રહ્યું છે.

નોંધ : ઉપરોક્ત તમામ તસ્વીરો ફાઈલ ફોટો છે જેને અહેવાલ સાથે કોઈ સબંધ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here