જામનગર : જામનગરની ગુરૂગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ કોરોનાની સારવાર માટે શહેર-જિલ્લાની મુખ્ય હોસ્પિટલ છે. છેલ્લા એક મહિનામાં ભાગ્યે જ કોઇ દિવસ એવો જાય છે કે કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમીત થયા બાદ સારવાર માટે દાખલ થયા પછી કોઇ દર્દીનું મોત થયું ન હોય. ખાસ કરીને છેલ્લા પખવાડીયામાં કોવિડ હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓના મૃત્યું થયા હોવા છતા હોસ્પિટલના સંચાલકોએ સરકારની ગાઇડલાઇનના અમલીકરણના ભાગરૂપે માત્ર ૨૬ દર્દીના જ કોરોનાને લીધે મૃત્યું થયાનું જાહેર કર્યુ છે.
આ માટે સરકાર અને હોસ્પિટલનું તંત્ર એવો તર્ક રજૂ કરે છે કે કોરોના સંક્રમીત દર્દીના મૃત્યુંના 80 ટકા કિસ્સામાં કોરોના ઉપરાંત કોરોના પહેલાના (જુની)બિમારી મૃત્યું માટે જવાબદાર છે અને તેથી આટલી મોટી સંખ્યામાં થયેલ મોતની કોરોનામાંથી બાદબાકી કરી માનવતાને નેવે મુકી દેવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો કોવિડ હોસ્પિટલમાં વધુ ચાલીસ દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવા છતા તંત્ર દ્વારા આ મામલે કોઇ વિગત જાહેર કરી નથી. કે આ વાતની પૃષ્ટિ કરી ન હતી. એક તરફ કોરોનાથી મૃત્યું થયું ન હોવાનું માનવામાં આવે છે તો બીજી તરફ એ જ તંત્ર કોરોનાથી મૃત્યુ પામેલ હોવાના દર્દીની ગાઇડલાઇન પાળીને તેનો મૃતદેહ પરિવારને સોંપતું નથી. સરકારી તંત્ર આવી બેધારી નીતિ કયાં સુધી ચાલુ રાખશે ? આ રીતે કોરોના હોસ્પિટલમાં થતા દર્દીના મૃત્યુંની સંખ્યા ઘટાડીને સરકાર અને સરકારી તંત્ર શું સિધ્ધ કે પ્રાપ્ત કરવા માંગે છે ? ગત ઓગસ્ટ માસમાં જ જીજીના કોરોના હોસ્પિટલમાં ૧૨૦થી વધુ દર્દીઓએ દમ તોડ્યો છે. આ મૃત્યાંક સતાવાર છે. પણ અન્ય બીમારીનું બહાનું આગળ ધરી મૃત્યાંક સંતાડી રહ્યું છે.
શહેરમા એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોરોનાથી મોતના આંકડા છુપાવીને સરકાર અને આરોગ્ય તંત્ર પોતાની નિષ્ફળતા ઉપર પડદો પાડી રહી છે. તો બીજી તરફ જીજી હોસ્પિટલના જ એક સીનીયર તબીબનું માનવામાં આવે તો જીજીમાં જ કોરોના વોર્ડનો મૃત્યાંક ૧૫૦ ઉપર થઇ ગયો છે. ત્યારે સતાવાર રીતે આ આંક માત્ર ૨૬ જ છે !!!
સંખ્યાબંધ દર્દીઓના કોરોના વોર્ડમાં મોત થયા છે એ વાસ્તવિકતા જ છે. તંત્ર ભલે માનવા તૈયાર ન હોય પણ હાલારીઓએ હવે ખરેખરની કેર લેવાનો સમય આવી ગયો છે. હજુ કોરોનાનું ચિત્ર બિહામણું બનશે એમ તંત્રએ વધુ એક ૧૨૦૦ બેડની હોસ્પિટલ બનાવવાનો કરેલો નિર્ણય નિર્દેશ આપી રહ્યો છે ત્યારે આપણે સૌ સમજીએ અને સરકાર દ્વારા નક્કી કરેલ માસ્ક, સેનેટાઈઝ, સોશિયલ ડીસટન્સિંગનું પાલન કરી અને જાહેર પ્રસંગોમાં જવાનું ટાળીએ તો જ કોરોના સામેનો જંગ જીતી શકાશે અન્યથા આ માસના અંત સુધીમાં શહેર જિલ્લાની સ્થિતિ વધુ બિહામણી હશે એમાં બે મત નથી.