પરિણામ : બંને જીલ્લાઓની સંયુક્ત સહકારી બેંકમાં કોણ જીત્યું ? કોણ હાર્યું ? હવે શું ? જાણો સમગ્ર ચિત્ર

0
617

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી માટે કાનુની દાવ પેચ બાદ આજે હાથ ધરાયેલી 6 બેઠકની મત ગણતરીમાં સત્તાધારી પેનલ સામેની પેનલના મોટા ભાગના ઉમેદવારોની જીત થઇ હતી. કાયદેસર રીતે કોઇ રાજકીય પક્ષના સિમ્બોલ વગર લડાતી આ ચૂંટણીમાં પાછલે બારણે મસમોટુ રાજકારણ ચાલતુ હોય છે. જો કે જામનગર જિલ્લાના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો વર્ષો જૂનો દબદબો છે. વચ્ચે ટૂંકો સમય બાદ કરતા મહદઅંશે કોંગ્રેસ સમર્પિત આગેવાનોના હાથમાં સત્તા રહેતી આવી છે.

આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપના એક પ્રદેશના નેતાની જીત થઇ છે તો એક સ્થાનિક નેતા તેમજ કેબીનેટ મંત્રીના ભાણેજનો પરાજય થયો છે. બે દાયકા કરતા વધુ સમયથી ડાયરેકટર રહેલા જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાનો પણ આશ્ર્ચર્યજનક રીતે ચીઠ્ઠીને આધારે જાહેર કરાયેલા પરિણામમાં કમનસીબે પરાજય થયો હતો. આ ઉપરાંત બેંકના પૂર્વ મેનેજીંગ ડીરેકટરનો જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સામે ત્રણ મતે પરાજય થયો હતો તો અન્ય એક બેઠક ઉપર તેઓ ત્રણ મતે વિજેતા જાહેર થયા હતા.
જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી માટે લાંબો સમય કાનૂની વિવાદ ચાલ્યો હતો. હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી સામ-સામા દાવા થયા હતા. જામનગર જિલ્લા સહકારી બેંકની 9 બેઠકની મતગણતરી આજે ડી.કે.વી. કોલેજ ખાતે  હાથ ધરવામાં આવી હતી. સૌથી પહેલુ પરિણામ જામનગર ગ્રામ્ય બેઠકનું આવ્યું હતું. આ બેઠક ઉપરથી પૂર્વ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલાને 23 મત મળ્યા હતા. જયારે રાજયના કૃષિમંત્રી અને જામનગરના ધારાસભ્ય આર.સી.ફળદુના નજીકના ગણાતા અને જામનગર શહેર ભાજપના મહામંત્રી તથા સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન મેરામણભાઇ ભાટુને 20 મત મળતા તેમનો 3 મતે પરાજય થયો હતો.
ભાણવડ વિસ્તારની બેઠક ઉપરથી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન  અને પૂર્વ ધારાસભ્ય-પૂર્વ રાજયમંત્રી મુળુભાઇ બેરા ફરી જિલ્લા સહકારી બેંકના ડાયરેકટર બન્યા છે. તેઓને 12 મત મળ્યા હતા. જયારે તેમના હરીફ વશરામભાઇ સોલંકીને માત્ર 1 જે મત મળતા મુળુભાઇ બેરાનો 11 મતે ભવ્ય વિજય થયો હતો.
કાલાવડ બેઠક ઉપરથી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજયના કૃષિમંત્રી, જામનગરના ધારાસભ્ય આર.સી.ફળદુના ભાણેજ કાન્તીભાઇ ગઢીયા 24 મત મેળવી 2 મતે રાજેશભાઇ વાદી સામે ચૂંટણી હારી ગયા હતા.
જામજોધપુર બેઠક ઉપરથી બેંકના બે દાયકા જૂના ડાયરેકટર રહેલા પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના અગ્રણી બ્રિજરાજસિંહ જાડેજા તથા તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અને બસપામાં જોડાયેલ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હેમતભાઇ ખવાને 11-11 મત મળતા ટાઇ થઇ હતી. આથી ચિઠ્ઠી ફેંકીને પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. ચિઠ્ઠીમાં નસીબના જોરે હેમત ખવા વિજેતા થયા હતા.
ધ્રોલની બેઠક ઉપરથી જામનગર યાર્ડના ચેરમેન અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ મુંગરા (પટેલ)ને 13 મત મળ્યા હતા. જયારે તેમના પ્રતિસ્પર્ધી રઘુભાઇ મુંગરાને 7 મત મળ્યા હતા. આથી રાઘવજીભાઇ 6 મતે વિજેતા થયા હતા.
જોડિયાની બેઠક ઉપરથી જામનગર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાને 14 મત મળ્યા હતા. જયારે વર્ષોથી બેંકના ડાયરેકટર રહેલા અને પૂર્વ એમ.ડી.જીવણભાઇ કુંભારવડીયાને 11 મત મળ્યા હતા.
બિન ખેતી વિષયક સરાફી અને ઔદ્યોગીક મંડળી વિભાગની બેઠક ઉપરથી  જાણીતા વેપારી અગ્રણી જીતુભાઇ લાલને 74 મત મળ્યા હતા. જયારે તેમના હરિફ ઉમેદવાર વિલસન નથવાણીને માત્ર 10 મત મળતા જીતુભાઇનો 64 મતે ભવ્ય વિજય થયો હતો.
30 આઇ.સી. વેચાણ અને ઉત્પાદન કરતી સહકારી મંડળીની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડનાર બેંકના પૂર્વ એમ.ડી.જીવણભાઇ કુંભારવડીયાનો 3 મતે વિજય થયો હતો. તેમના હરિફ ઉમેદવાર ઋુષી અરવિંદભાઇને 17 મત મળ્યા હતા.
સભ્ય મંડળીઓ સિવાયની બેઠક ઉપરથી બળદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાને 45 મત મળ્યા હતા. જયારે તેમના હરિફ ઉમેદવાર દ્વારકાદાસ વ્રજલાલ અનડકટને 36 મત મળ્યા હતા.

દ્વારકાની ત્રણ અને જામનગર જીલ્લાની એક બેઠક બિનહરીફ

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા ચાર બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. લાલપુરની બેઠક ઉપરથી પૂર્વ ચેરમેન અશોકભાઇ લાલ, દ્વારકાની બેઠક ઉપરથી લુણાભા સુભણીયા, કલ્યાણપુર બેઠક ઉપરથી મેરગભાઇ ચાવડા અને ખંભાળિયાની બેઠક ઉપરથી પી.એસ.જાડેજા ઉપરાંત પૂર્વ ડાયરેકટર ઇલેશભાઇ પટેલ વ્યકિતગત બેઠક ઉપરથી અગાઉ બિન હરીફ જાહેર થઇ ચુકયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here