જામનગરની સરકારી ફીજીઓથેરાપી કોલેજના સીનીયર વિદ્યાર્થીઓએ બીજા વર્ષના જુનીયર વિદ્યાર્થી પર રેગીંગ કર્યાની ફરિયાદો મળતા ચકચાર મચી જવા પામી છે. ચોથા વર્ષમાં અભ્યાસ કરતા ૨૮ વિદ્યાર્થીઓ પર સીનીયર છાત્રો દ્વારા રેગીંગ થયું હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ પ્રિન્સિપાલે રેગીંગ કમિટી સમક્ષ મુકવામાં આવી છે. કમિટી દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ભોગગ્રસ્ત અને જેની પર આક્ષેપ લાગ્યો છે તે સીનીયર વિદ્યાર્થીઓના નિવેદન નોંધવાનું શરુ કર્યું છે.

જામનગરમાં આવેલ સરકારી ફીઝીઓથેરાપી કોલેજની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા અને બીજા વર્ષના ૨૮ વિદ્યાર્થીઓને ચોથા વર્ષના સીનીયર વિદ્યાર્થીઓએ ખોટી હેરાનગતી કરી રેગીંગ કર્યું હોવાની ઘટના સામે આવતા શૈક્ષણિક સંકુલોમાં સનસનાટી મચી ગઈ છે. જેની વિગત આપતા પ્રિન્સીપાલ દીનેસ સોરાણીએ જણાવ્યું હતું કે ગત સોમવારે સાંજે ૨૮ વિદ્યાર્થીઓની સામુહિક ફરિયાદ મળી છે. બીજા વર્ષના આ તમામ વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ લગાવ્યો છે કે ચોથા વર્ષમાં અભ્યાસ કરતા ૧૫ જેટલા સીનીયરોએ સમયાંતરે તમામને બોલાવી મોડી રાત્રે રેગીંગ કર્યું છે.

પોતાની કોલેજ જીરો રેન્ગીંગમાં માને છે એમ ઉમેરી પ્રિન્સિપાલે કહ્યું હતું કે, આ ફરિયાદને તાત્કાલિક એન્ટી રેગીંગ કમીટીને સોંપી દીધી છે. કમિટીએ આજે કોલેજ ખાતે પહોચી જે ફરિયાદ કરનાર છાત્રો અને જેની સામે આક્ષેપો થયા છે તે સીનીયર વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ કમિટી જે રીપોર્ટ આપશે તેના આધારે આગામી નિર્ણય લેવામાં આવશે એમ સોરાણીએ જણાવ્યું હતું. બીજી તરફ કડકડતી ઠંડીમાં કોઈ વિદ્યાર્થીને ત્રણ-ચાર કલાક ખુલામાં ઉભાડી રાખવામાં આવ્યા તો કોઈ વિદ્યાર્થીના કપડા કાઢી ઝાડ પર ચડી કલાક સુધી બેસી રહેવાની પરાણે ફરજ પાડવામાં આવી હોવાનાં સુત્રોએ દાવા કર્યા છે. આ દાવાઓ કેટલા સાચા છે તેનો તાગ કમીતિની તપાસ બાદ ચોકકસથી મળી જશે.