જામનગર :
વિધાનસભામાં જામનગર જીલ્લાના બેડીબંદરના વિકાસમાં છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલ ખર્ચ અને વિકાસ યોજનાના પ્રશ્નને લઈને ખંભાલીયાના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં બંદરીય મંત્રીએ આપેલ જવાબને લઈએ બંદર એકાએક ચર્ચામાં આવ્યું છે.

હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન દેવભૂમિ-દ્વારકા જીલ્લાના ખભાલીયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમે કરેલા બેડી બંદર સબંધિત પ્રશ્નના જવાબ બાદ જામનગર ચર્ચાનો વિષય બન્યુ છે. બેડી બંદરને વિકસાવવાની કાર્યવાહી ક્યાં તબક્કામાં છે ? તેમજ છેલ્લા બે વર્ષમાં બેડીબંદરના વિકાસ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ? અને જામનગર જીલ્લા અને બેડી બંદરના વિકાસની કામગીરી ક્યા સુધીમાં કેટલા ખર્ચે પૂર્ણ કરવામાં આવશે ? આવા પ્રશ્નના જવાબમાં બંદરીય મંત્રીએ જવાબ આપ્યો હતો કે બેડી બંદરને બંદરીય સુવિધાઓ પૂરી પાડવા માટે તા. 1.1.2019 થી તા. 31.12.19 સુધીમાં રૂ. 3.10 કરોડનો અને તા. 1.1.2020 થી તા. 31.12.20 સુધીમાં રૂ. 0.27 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે અને રોઝી બંદર ખાતે ખાનગી મૂડી રોકાણથી વિકસાવવાનું આયોજન છે. ઉપરોકત છેલ્લા બે વર્ષમાં બેડીબંદરે બંદરીય સુવિધાના કામો રૂ. 3.37 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે રોઝી બંદર ખાતે બંદરીય સુવિધા વિકસાવવાની કાર્યવાહી ટેન્ડર પ્ર્ર્કીયાથી હાથ ધરવામાં આવનાર છે. તેવો જવાબ ગુજરાત સરકારનો બંદરનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી દ્રારા આપવામાં આવ્યો હતો.