જામનગર : જામનગર નજીકના દરેડ ગામે ઘંઉના ગોડાઉન સામે રહેતા એક ચારણ પરિવારની યુવતીએ કરી લીધેલા આપઘાત પ્રકરણમાં ચારણ શખ્સ સામે જ મરવા મજબુર કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. આરોપીઓએ ધરાર સબંધ બાંધવા દબાણ કરતા તેણીએ સળગી જઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું.
જામનગર નજીક લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે ઘંઉના ગોડાઉન સામે પાણી પુરવઠાના વંડાની પાછળ ઝુંપડામાં રહેતા લાભુબેન ચંદુભાઇ પરમારની પુત્રી સોનલબેને ગત તા.28-2ના રોજ પોતાના હાથે શરીરે કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન પરિવારે તેણીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાવી હતી. જયાંથી આ તેણીને રાજકોટ ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજ્યું હતું. પાડોશમાં જ રહેતા એક શખ્સના ધરાર સંબંધ બાંધવાના પ્રયાસથી કંટાળી તેણીએ આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. દરમ્યાન આ બનાવ અંગે તેણીની માતાએ પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરમાં આરોપી રવજી દેવાભાઇ વિજાણી સામે આઇપીસી કલમ 306 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ઇન્ચાર્જ પીએસઆઇ બી.એસ.વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.