આઝાદીની ચળવળમાં ઓખા મંડળના વાઘેરોનું શૌર્ય હાલાર માટે ગર્વ : સાંસદ પૂનમબેન માડમ

0
450

જામનગર : ભારતની સ્વતંત્રતા-આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. અહિંસાના માર્ગે સ્વતંત્રતા મેળવવાના નિર્ધાર સાથે રાષ્ટ્રપિતા ગાંધીજીએ તા. ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ દાંડીકૂચનો પ્રારંભ કરી આઝાદ ભારત માટેની ચળવળને વધુ મજબૂત કરી હતી ત્યારે આજની ૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી આઝાદીના અમૃત મહોત્સવનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર રાજય સહિત દેશમાં ૭૫ સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને અનુલક્ષી જામનગરના કાલાવડ મુકામે હિરપરા કન્યા વિદ્યાલય ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.


સાંસદ પૂનમબેન માડમ કાલાવડ ખાતેથી આ ઉજવણીનો પ્રારંભ કરાવતા જેને સંબોધનમાં આઝાદીના ૭૫ વર્ષ દરમિયાનના ભારતના વિકાસની ઝલક રજૂ કરી જણાવ્યું હતું કે, અનેક વીરોએ દેશ માટે જાન ગુમાવ્યા છે. ગાંધીજીની એક હાંકલ પર અનેક લોકોએ માત્રને માત્ર દેશની આઝાદીના સ્વપ્નની પૂર્તિ માટે અડગ અને અથાગ પ્રયત્નો કર્યા છે, ત્યારે ભારતને અમૂલ્ય આઝાદી મળી છે. પૂજ્ય બાપુના વિચાર અને સંકલ્પથી ત્યારે હજારો લોકો ચળવળમાં જોડાયા હતા અને તેની ફળશ્રુતિરૂપ આપણે આઝાદ ભારતના નાગરિક છીએ.
આઝાદીની ચળવળમાં હાલારના યોગદાનને યાદ કરતા સાંસદએ કહ્યું કે, બ્રિટિશરો સામે સંઘર્ષમાં ત્યારે હાલારના ઓખામંડળમાં પહેલીવાર વાઘેરોએ સ્વરાજની ચળવળને જગાવી અને જ્યારે વાઘેર બંધુઓ મૂળુ માણેક અને જોધા માણેકને બ્રિટીશરોએ ઘેરી લીધા ત્યારે પણ ખૂબ નિર્ભયતાથી પોતાના દેશ માટે લડી અને શહીદ થયા, જે આપણા હાલાર માટે ગર્વની વાત છે. આજે દેશ માટે મરવાની તક મળે આપણને ન મળે પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવાના સંકલ્પ સાથે દેશ માટે જીવીએ.
ભારતએ કોરોના કાળમાં પોતાની શક્તિ વિશ્વને દેખાડી છે, વિશ્વ કક્ષાએ ક્યાંક ભારતને આયાત કરનાર દેશ માનવામાં આવતો હતો ત્યારે ભારતે આત્મનિર્ભર બની દવા અને વેકસીન પણ પોતે ઉત્પાદિત કરી આજે અન્ય દેશોને પૂરી પાડે છે. આમ, ભારતની આત્મનિર્ભરતાની વિશ્વએ નોંધ લેવી જરૂરી છે ત્યારે આપણો દેશ આપણું ગૌરવ માની આપણને મળેલી આઝાદીની આ ભવ્ય ઉજવણી કરીએ તેમ સાંસદએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું.
કાલાવડ ખાતેના કાર્યક્રમમાં અમદાવાદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થકી સાંસદ, અન્ય મહાનુભાવો અને શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રધાનમંત્રીના સંબોધનનો લાભ લીધો હતો. હિરપરા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા આ તકે અનેક દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ મેહુલભાઈ આશર અને તેમના પુત્ર દ્વારા વાંસળી અને ગિટાર પર વૈષ્ણવજનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here