જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના રાફૂદળ ગામે સીમ વિસ્તારમાં એક યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. ગત રાત્રે કોઈ અજાણ્યા સખ્સોએ સીમ વિસ્તારમાં યુવાન લોખંડની કોસ જેવા હથિયારથી માથા પાછળ અને ચહેરાના ભાગે ચાર-પાંચ પ્રહાર કરી ઢીમ ઢાળી દઈ નાશી ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાના આ બનાવની ગુથ્થીને ઉકેલવા માટે મૃતકના મોબાઈલ નબરના આધારે ચક્રોગતિમાન કર્યા છે.

લાલપુર તાલુકાના રાફૂદળ ગામ વધુ એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. પ્રથમ સગીરા પર બળાત્કાર અને ત્યારબાદ ગત રાત્રે થયેલ યુવાનની કરપીણ હત્યા, આ બન્ને બનાવને લઈને નાના એવા ગામમાં પોલીસની દોડધામ શરુ થઇ છે. ગઈ કાલે રાત્રે રાફુદળ ગામથી ગજણા ગામ જવાના રસ્તે રાંદલવારી સીમમાં બાવળની ઝાડીઓ વચ્ચેથી આજે સવારે જયેશ કરમણભાઈ માધુડીયા ઉવ ૨૫ નામના યુવાનનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવની જાણ થતા જ લાલપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો ત્યારબાદ જામનગરથી એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો પહોચ્યો હતો. લાલપુર પીએસઆઈ બીએસ વાળાના જણાવ્યા અનુસાર, રાફુદળનો યુવાન મજુરી કામ કરતો હતો. બે ભાઈઓ પૈકીના આ યુવાનના માથા પાછળના ભાગે કોશ જેવા ભારે લોખંડના ત્રણ ચાર ઘા મારી તેમજ ચહેરાના ભાગે પણ બે ઘા મારી યુવાનનું ઢીમ ઢાળી દેવાયું છે.

હત્યારો કે હત્યારાઓ રાત્રે આ વારદાતને અંજામ આપ્યો હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું. પોલીસે મૃતકના મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે. આરોપીઓ હાથ આવ્યા બાદ હત્યાના આ બનાવ પરથી પરદો ઉચકાશે એમ પીએસઆઈ વાઢેરે ઉમેરી અજ્ઞાત સખ્સો સામે ફરિયાદ નોંધી જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
