ખળભળાટ : વકીલ કિરીટ જોશીની હત્યા પૂર્વે જામનગરના સખ્સે રેકી કરી, કોણ છે આ સખ્સ ? તપાસનો ધમધમાટ

0
754

જામનગર : જામનગરમાં ત્રણ વર્ષ પૂર્વે વકિલ કિરીટ જોષીની કરપીણ હત્યા નિપજાવી નાશી ગયેલા આરોપીઓ લાંબા ગાળે પોલીસને હાથ લાગ્યા છે. ત્રણ વર્ષના ગાળામાં દેશના 11 રાજયો અને 4 દેશોમાં આશ્રય પામેલા ત્રણેય શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી ચાર દિવસના રીમાન્ડ પર લીધા છે ત્યારે પોલીસ પુછપરછમાં એક સ્થાનિક શખ્સની સંડોવણી સામે આવી છે. વકિલ જોષીની હત્યા પૂર્વે આ શખ્સે ચાર-પાંચ દિવસ સુધી સતત રેકી કરી હોવાની વિગતો સામે આવતા ચોકવનારો ઘટસ્ફોટ થયો છે. જો કે આ શખ્સને આરોપીઓ ઓળખતા ન હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇને પોલીસ દ્વારા આ શખ્સના સગડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.  


જામનગરમાં ત્રણ વર્ષ પૂર્વે ખ્યાતનામ વકિલ કિરીટ જોષીની સરાજાહેર કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. ટાઉનહોલ વિસ્તારમાં રાત્રીના સમયે એક આરોપીએ ઉપારા-ઉપરી છરીના ઘા મારી વકિલની હત્યા નિપજાવી હતી.  આ ઘટના સમયે હત્યારાની સાથે અન્ય બે શખ્સોની પણ ભૂમિકા સામે આવી હતી. આ વારદાતને ભૂ-માફિયા જયેશ પટેલે અંજામ આપ્યો હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઇ હતી. શહેરના લાલપુર રોડ પરના 100 કરોડની કિંમતના  જમીન કૌભાંડમાં આરોપી જયેશ પટેલને છેક સુપ્રિમ કોર્ટ સુધી લાંબુ થવું પડયું હતું. આ કેસમાં કૌભાંડના ફરિયાદી તરફે વકિલ કિરીટ જોષીએ અહમ ભૂમિકા ભજવતા જયેશ પટેલને લાંબો સમય જેલમાં રહેવુ પડયું હતું અને જેને લઇને  જયેશ પટેલ અમદાવાદના આરોપીઓ હાર્દિક ઠક્કર અને તેના ભાઇ દિલીપ ઠક્કર તેમજ જયંત ગઢવી અને તેની ટોળકીને વકિલને પતાવી દેવા માટે સોપારી આપી હતી. રૂા.3 કરોડની સોપારી આપી 20 લાખ રૂપિયા ચુકતે કર્યા હતા. ત્યારબાદ આ ત્રણેય શખ્સો જામનગરમાં હત્યાને અંજામ આપ્યો હોવાની વિગતો પકડાયેલા ત્રણ આરોપીઓની કબુલાતમાં બહાર આવી હતી. જેને લઇને પોલીસે ભાડુતી હત્યારાઓ અને જયેશ પટેલના સગડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ લાંબા સયમ બાદ પણ આરોપીઓ સુધી પહોંચી શકાયુ ન હતું.


તાજેતરમાં જામનગર પોલીસને ભાડુતી હત્યારાઓ અંગેના ચોક્કસ સગડ મળ્યા હતા અને પશ્ર્ચિમ બંગાળના કોલકત્તા ખાતે પહોંચી ચોક્કસ વિસ્તારમાંથી આરોપીઓ હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીને પકડી પાડયા હતા. સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી જામનગર પોલીસ ત્રણેય શખ્સોને જામનગર લઇ આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં આ ત્રણેય શખ્સોએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, આસામ અને ચેન્નઇ સહિત 11 રાજયોમાં આશ્રય લીધો હોવાની કબુલાત આપી હતી. આ ઉપરાંત સમયાંતરે નેપાળ, ભૂતાન, થાઇલેન્ડ અને સેનેગલ એમ ચાર દેશોમાં પણ આરોપીઓએ આશ્રય લીધો છે. વિદેશ પહોંચવા માટે મુંબઇ પહોંચી આ ત્રણેય શખ્સોના બોગસ નામના પાસપોર્ટ પણ તૈયાર કરી લેવામાં આવ્યા હતા. પાસપોર્ટ બનાવવામાં જયેશ પટેલે મદદગારી કરી હોવાની વિગતો પણ સામે આવી હતી.  સુત્રનું માનવામાં આવે તો વકિલની હત્યા નિપજાવી ત્રણેય શખ્સો અને જયેશ પટેલ વચ્ચે ગુજરાત બહાર અને દેશ-વિદેશમાં બે-ત્રણ વખત રૂબરૂ મુલાકાત થઇ છે ત્યારે આરોપીઓ અને જયેશ પટેલ વચ્ચે ખંડણીને લઇને થયેલ સોદાબાજી, આર્થિક વ્યવહારો તેમજ હત્યા બાદ અને હત્યા પૂર્વે મોબાઇલ ફોન દ્વારા થયેલ સંદેશા વ્યવહારો અને મદદગારી કરનાર શખ્સો તેમજ આરોપીઓને જયેશ પટેલ દ્વારા પહોંચાડવામાં આવેલ લાખો રૂપિયાના વ્યવહારોની માહિતી મેળવવા માટે જામનગર પોલીસે ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી 12 દિવસના  રીમાન્ડન મેળવી પુછપરછ કરી હતી. જેમાં હત્યા પૂર્વે જામનગરના જ કોઇ શખ્સે વકિલ કિરીટ જોષીની ઓફિસ અને અન્ય સ્થળ પર ત્રણ-ચાર દિવસ સુધી રેકી કરી હોવાનો સામે આવ્યું છે. જો કે આ શખ્સને તેઓ ઓળખતા ન હોવાનું જણાવતા પોલીસે આ શખ્સ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે. સુત્રોનું માનવામાં આવેતો ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલ સખ્સો પૈકી જ એક સખ્સ રેકીમાં સંડોવાયેલ છે. જો કે આ બાબતે તપાસકર્તા ડીવાયએસપી કૃણાલ દેસાઈએ ઇનકાર કર્યો છે પણ સ્થાનીક સખ્સે રેકી કરી હોવાનું જણાવી ત્રણેય આરોપીઓને આજે મામલતદાર સમક્ષ ઓળખપરેડ કરાવવામાં આવશે એમ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here