કાલાવડ : કંકાલમાં પલટાયેલી મહિલાની લાશ મળતા સનસનાટી, હત્યા? આત્મહત્યા કે અકસ્માત

0
782

જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાંથી એક મહિલાનો કોહવાયેલો અને હાડપીંજરમાં ફેરવાયેલો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. નાની ભણસાલ સીમમાંથી મળી આવેલ અજાણી મહિલાની ઉંમર 40થી 45 વર્ષ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.  આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો કે પછી અકસ્માતનો છે ? તે પરથી પરદો ઉંચકાયો નથી. મહિલાની ઓળખ થયા બાદ તમામ હક્કિતો સામે આવશે.
કાલાવડ તાલુકા મથકથી 24 કિ.મી.દૂર આવેલા નાની ભલસાણ ગામે સીમ વિસ્તારમાં માનવ કંકાલ પડયો હોવાનું ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી.

જેને લઇને પીએસઆઇ એચ.વી.પટેલ સહિતનો સ્ટાફ ગઇકાલે સાંજે ઘટના સ્થળે દોડી ગયો હતો. 40થી 45 વર્ષની ઉંમર ધરાવતો કંકાલ સ્ત્રીનો હોવાનું સામે આવ્યું છે. આ મહિલાનું મૃત્યું 10થી 15 દિવસ પૂર્વે થયું હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું. કાળી-સફેદ જીણી લાઇનીંગવાળો શર્ટ પહેરેલ તથા બ્લુ કલરનું બ્લાઉસ અને બ્લુ કલરનો ચણીયો તથા પીળી તથા બ્લુ કલરની ફૂલ ડિઝાઇનવાળી સાડી પહેરેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કંકાલ કબ્જે કરી પોસ્ટમોર્ટમ સહિતની વિધિ હાથ ધરી હતી. કપડા પરથી મહિલા શ્રમિક વર્ગની હોવાનો પોલીસે પ્રાથમિક અંદાજ લગાવ્યો છે. છેલ્લા એક મહિનામાં ગુમ થયેલ મહિલાઓની યાદી મંગાવી પોલીસ દ્વારા ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો કે પછી મહિલાનું મોત અકસ્માતે થયું છે તે અંગે હાલ પોલીસે કહી પણ કહેવાનું ટાળ્યું છે. મહિલાની ઓળખ સામે આવ્યા બાદ આ બનાવ પરથી પરદો ઉંચકાશે એવો પોલીસે આશાવાદ શેવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here