જામનગર : કાલાવડ પોલીસ દફતરના ચાર પોલીસ કર્મચારીઓએ પિતા પુત્ર પર હુમલો કરી મારેલા બેફામ માર બાદ જીલ્લા પોલીસવડાએ સસ્પેન્સન સુધીના પગલા ભર્યા હતા ત્યારબાદ મોડી રાત્રે પોલીસે બંને પિતા પુત્ર સામે ભારેખમ કલમો મુજબ ગુનો નોંધ્યો છે. ફરજમાં રુકાવટ, પોલીસ દફતરમાં વિડીઓ રેકોર્ડીંગ, કોમ્યુટરમાં તોડફોડ કરી નુકસાની પહોચાડવા સબબ ભારેખમ કલમો મુજબ ગુનો નોંધી વળતો પ્રહાર કર્યો હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે ગઈ કાલે બપોરે કોરોના સબંધિત જાહેરનામાં ભંગ સબબ મુળીલા નાકા પાસેથી દુકાનદાર નિશાંત અને તેના પિતા ઘનશ્યામભાઈ ઉદેશી સામે કરેલ કાર્યવાહી દરમિયાન પોલીસે બંનેને સખ્ત માર મારતા તંગદીલી પ્રસરી ગઈ હતી. જેને લઈને કાલાવડ પહોચેલ એસપી સહિતના અધિકારીઓએ મામલો ઠંડો પાડવા માટે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ક્યોર, વાસુદેવસિંહ જાડેજા અને અશોકસિંહ અને નીકુલભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. પોલીસ દફતરની તંગદીલી દુર થયા બાદ પોલીસે બંને પિતા પુત્ર સામે ભારેખમ ફરિયાદ નોંધી હતી. જેમાં જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી દરમિયાન પોલીસ દફતરમાં બંનેએ પરવાનગી વગર જ વિડીયો શુટિંગ કરી, રેકોર્ડીંગ અન્યને વાયરલ કરવાની સંભાવનાને લઈને પોલીસે બંને પાસેથી મોબાઈલ માંગ્યો હતો, પોલીસનું માનવામાં આવે તો બંનેએ મોબાઈલ આપવાનો ઇનકાર કરી પોલીસ કર્મીઓ સામે જપાજપી કરી, નિશાતભાઈ એ ભરતભાઈના ડ્રેસનના બટન તોડી નાખી, પેટમાં લાત મારી, કોન્ટેબલ વાસુદેવસિંહને ઘનશ્યામભાઈએ પેટમાં મુક્કો મારી શર્ટ તોડી નાખી, કોમ્યુટરઓ નીચે ઘા કરી તોડી નાખી નુકસાની પહોચાડી હતી. આ ઉપરાંત બંનેએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ફરજમાં રુકાવટ કરી હતી. પોલીસે બંને સામે આઈપીસી કલમ ૧૮૬, ૩૩૨, ૩૨૩, ૩૫૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધી હતી. જેને લઈને પીઆઈ જે કે ભોયે તપાસ શરુ કરી છે. બીજી તરફ અંગત સુત્રોનું માનવામાં આવે તો આ પોલીસ દમન બાદ છેક ગાંધીનગરથી દબાણ આવતા એસપી સહિતનાઓ દોડતા થયા હતા અને પોલીસકર્મીઓ સામે એક્શન લીધા હતા. મામલો શાંત પડી જતા રાજકીય ભલામણનો સણસણતો જવાબ આપવા ભારેખમ કલમો મુજબ ફરિયાદ દાખલ કરી દીધી છે.