કાલાવડ: સહકારી મંડળીના મંત્રીએ 60 લાખની ઉચાપત કરી

0
602

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મંડળીના નામે રૂપિયા ૬૦ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. આરોપી મંત્રીએ બે વર્ષ પૂર્વે મંડળીના નામે ગોડાઉન ખરીદ કર્યા અંગેના ખોટા દસ્તાવેજ બનાવી, પ્રમુખ સહિતનાઓની ખોટી સહીઓ કરી, નાણા ઉપાડી અંગત ઉપયોગમાં લઇ છેતરપીંડી આચરી હોવાનું સામેં આવ્યું છે.

જામનગર જીલ્લા સહકારી ક્ષેત્રમાં ચકચારી બનેલ છેતરપીંડી અને વિશ્વાસઘાત પ્રકરણની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે આવેલ નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડ ખાતે મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ચંપકભાઈ જોશીએ વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ માસ પૂર્વે પોતાના અંગત ફાયદા માટે ઠગાઇ કરવાના ઇરાદાથી મંડળીના ખેડુત ખાતેદારો (સભાસદો) પાસેથી પાક ધીરાણ પેટેના નાણાની વસુલાત કરી, મંડળીની અલગ અલગ પહોચો આપી તેમજ તે પૈકીની અમુક પહોચોમા પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોચો બનાવી રોજમેળમા ખોટો મનધડત હીસાબ ઉધારી લીધા હતા. જેમાં રોજમેળમા પાના નં-૬૧મા સામાન્ય ખાતાવહીના પાના નં-૧૧૫ થી “શ્રી જમીન ખરીદ ખાતે બાબત જે મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી શ્રી બીપીનભાઇ જોષી ને વાઉચર મુજબ” વાઉચર નં-૬૬ રોકડા રૂ.૬૦,૦૦,૦૦૦ની કોઇ પણ ઠરાવ કે મંજુરી વગર એન્ટ્રી કરી નાખી, રૂપીયા સાઇઠ લાખના મુલ્યના નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો.

આ જ ઉચાપત માટે આરોપી મંત્રીએ શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના લેટરપેડ પર તા.૨૯/૧૨/૨૦૨૦ ના રોજ કાલાવડ મામલતદારને સંબોધીને “વિષય:- શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા-ગીરો મુક્તી કરવા મળેલ નોટીશનો જવાબ” તેમ વિષય રાખી જવાબ પણ આપ્યો હતો. જેમાં તેણે પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી, તે લખાણમા પ્રમુખ તરીકે “રાઘવ દેવશી” નામની હાલના પ્રમુખની ખોટી સહી કરી, મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ બાબતની  જાણ થતા હાલના મંડળી પ્રમુખ રાધવભાઇ ઉર્ફે રધુભાઇ દેવશીભાઇ આંબાભાઇ ભાલારાએ જીલ્લા રજીસ્ટ્રાર અને જીલ્લા પંચાયત સહીત લગત સરકારી વિભાગોમાં જાણ કરી હતી. ત્યારબાદ ગુનાહિત કૃત્ય અંગે પોલીસમાં અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે આજે આરોપી મંત્રી જોશી સામે આઈપીસી કલમ ૪૦૮, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭ (ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં મંત્રીએ સભાસદો કે મંડળીના પદાધિકારીઓની જાણ બહાર ગોડાઉન ખરીદીના નામે રૂપિયા ૬૦ લાખની ઉચાપત કરી લીધાનો આરોપ લગાવ્યો  છે. જેને લઈને કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરના પીએસઆઈ એચ.વી.પટેલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here