જામનગર: ફઈબાના દીકરાને લેવા જતા બાઈક ચાલકને ટ્રકે ચગદી નાખ્યો

0
770

જામનગર નજીક લાલપુર રોડ પર આવેલ ચંગા ગામના પાટિયા પાસે ગત મોડી રાત્રે પુર ઝડપે દોડતા ટ્રકે જોરદાર ઠોકર મારતા મોટરસાયકલ ચાલક બાઈક ચાલક યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. મૃતક પોતાના ફઈના દીકરાને તેડવા માટે ભટીયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો ભોગ બની ગયો હતો. પંચકોશી બી ડીવીજન પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર નજીક લાલપુર રોડ પર સર્જાયેલ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર નજીકના ચંગાગામના પાટીયા પાસે ગત કાલે રાત્રે સાડા અગ્યારેક વાગ્યે એક મોટરસાયકલને પુર ઝડપે દોડતા જીજે ૧૭ ટી ૩૭૧૭ નંબરના ટ્રકે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં મોટરસાયકલ ચાલક કલ્પેશભાઈ પાગલાભાઈ માવી નામના યુવાન બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. જેમાં તેઓને માથા સહિતના ભાગે ઈજાઓ પહોચી હતી. આ બનાવના પગલે ૧૦૮ દ્વારા ઘાયલ યુવાનને તાત્કાલિક જામનગર  ખસેડાયા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું અર્ધ રસ્તે જ મૃત્યુ નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના વાવફળિયું તાલુકાના રીંગોલી ગામનો મૃતક યુવાન તેના પિતા સહિતના પરિવાર સાથે લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામે મુકેશ વીરજી  પટેલની વાડીએ મજુરી કામ કરવા આવ્યો છે. ગઈ કાલે ફોઈનો દીકરો આવવાનો હોવાથી મૃતક પાડોશીનું મોટર સાયકલ લઇ, ઇસ્વરીયા ગામેથી ભટીયા ગામના પાટિયે તેને તેડવા જતો હતો ત્યારે ચંગા ગામના પાટિયા પાસે કાળ મુખા ટ્રકનો કોળીયો બની ગયો હતો. આ બનાવ અંગે ૧૦૮ની ટીમે મૃતકના પિતાને ફોન કરતા તેઓ અન્ય પુત્ર સાથે રાત્રે જામનગર આવી ગયા હતા. આ બનાવ અંગે મૃતકના પિતાએ નાશી ગયેલ ટ્રક ચાલક સામે પંચકોશી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઈ સી એમ કાંટેલીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here