છેલ્લા પાંચ વર્ષમાં ગરીબ પરથી માંડીને તમામ વર્ગને સ્પર્શતા પ્રશ્નોને વિધાનસભામાં સફળતાપૂર્વક વાચા આપનાર ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયાના મધ્યસ્થ કાર્યાલયનો કાલાવડ ખાતેથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈએ પોતાની પાંચ વર્ષની સફળ ગાથા સભામાં હાજર વિશાળ જનતા સમક્ષ મૂકી હતી. આ પાંચ વર્ષમાં તેઓએ કરેલા કામોના લેખાજોખા રજૂ કર્યા હતા. છેલ્લા 42 વર્ષમાં ન થયા હોય તેવા કામ પાંચ વર્ષમાં કરી એનો દાવો કરી પ્રવીણભાઈએ લાંબા સમયથી શાસન પર રહેલ ભાજપ દ્વારા પ્રજાના કરાયેલા હાલનો ચીતાર રજૂ કર્યો હતો. માળખાગત સુવિધાઓથી માંડીને અનેક મોટા વિકાસ કામ કરીને પ્રજાની સુવિધામાં વધારો કર્યો હોવાનું તેઓએ દાવો કર્યો હતો. હજુ પણ અનેક વિકાસ કાર્યો કરવાના બાકી છે તેવો વિશ્વાસ જતાવી પોતાને ફરી વખત ગાંધીનગર મોકલવા પ્રજા પાસેથી ભરોસો કાયમ કર્યો હતો.

કાલાવડ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ મુસડીયાના કાલાવડ ખાતેના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા હેમાંગભાઈ વસાવડા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રવીણભાઈએ જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે 27 વર્ષમાં ભાજપે દુઃખ સિવાય કંઈ નથી આપ્યું, ભાજપના કુશાસનની શરૂઆત કાલાવડથી જ થઈ છે. 42 વર્ષથી કાલાવડમાં ભાજપ ચૂંટાતી આવી છે. પ્રથમ વખત 2017માં પ્રજાએ કોંગ્રેસ પર-મારી પર ભરોસો મૂક્યો, એ ભરોસા ને મે પાંચ વર્ષમાં પ્રતિપાદિત કરી બતાવ્યો છે. કાલાવડ શહેરમાં જીઆઇડીસી માં ભ્રષ્ટાચાર થયો છે. શહેરમાં પાંચ કરોડના ખર્ચે ગટર કામ થયું છે પરંતુ સાચું કામ થયું નથી.

વિરોધીઓ કહે છે પાંચ વર્ષમાં પ્રવીણભાઈ શું કર્યું ? વિરોધીઓને જવાબ આપતા પ્રવીણભાઈએ કહ્યું કે , ‘તમારી 42 વર્ષની ગંદકીને પાંચ વર્ષમાં ઉલેચવાનો પ્રયાસ કર્યો છે, આ ગંદકીને સંપૂર્ણ રીતે સાફ કરતા હજુ ત્રણ ટર્મનો સમય લાગશે’
છેલ્લા પાંચ વર્ષમાં હિસાબ આપતા પ્રવીણભાઈએ કહ્યું હતું કે પાંચ વર્ષ પૂરે આર્થિક મોજણીમાં માત્ર 140 પરિવારનો સમાવેશ થતો હતો છે. પાંચ વર્ષ બાદ ગરીબોને ન્યાય અપાવીને આ સંખ્યા 1100 પરિવારનો વધારો કરી ન્યાય અપાવ્યો છે.
કાલાવડ શહેરમાં સરકાર ગરીબને મકાન બાંધવા સાડા ત્રણ લાખ રૂપિયાની લોન આપે છે પરંતુ ગામડાઓ માત્ર 1.20 લાખ રૂપિયા આપે છે. આ ભેદભાવને દૂર કરવાનો પ્રયાસ કરવાનો વાયદો તેઓએ કર્યો છે. ભાજપની ‘ભાગલા પાળો ને રાજ કરો’ની આ નીતિ હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો,
રામના નામે મત માગતા ભાજપાની જાટકણી કાઢતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે અમારી મેઘલી નાતમા 400 સંત થઈ ગયા છે. તેઓએ રામ નામને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ધરતી રામની છે તમે માલિક નથી. ભગવાન પર છોડી દો, વર્ષોથી જે લોકો રહે છે તેને માલિકી હક આપી દો, પવન ચક્કી વાળા ઉપર હેત ઉભરાયો છે. એક હેક્ટર જમીન શા માટે આપો છો? ખેડૂતોને કૂવો બનાવવા માટે એક ગુઠા જમીન પણ કેમ નથી આપતા ? એવો સણસણતો સવાલ ભાજપ સરકારને કરી પ્રવીણભાઈએ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને ઉજાગર કરી હતી. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો મફત શિક્ષણ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 3 લાખનું ખેડૂતોનું દેવું માફ સહિતના વાયદાઓ પ્રવીણભાઈએ પ્રજા સમક્ષ કર્યા હતા.

બીજી તરફ આમ આદમી પાર્ટીની જાટકણી કાઢતા તેઓએ કહ્યું હતું કે, ‘એક મોકો કેમ પ્રજા આપે ? પ્રથમ વાવો, મહેનત કરો પછી લણો? લોકોને સમજદારી પૂર્વક મત આપવાની પ્રવીણભાઈએ વિનંતી કરી મત વેડફાઈ ન જાય તેમ સૂચન કર્યું છે. સીઆઇએ વખતે કેજરીવાલે જાહેરમાં મુસ્લિમ વિરોધી બફાટ કર્યો હતો. આવી માનસિકતાવાળાઓને સત્તા ન અપાય એમ પણ તેઓએ આસ્વસ્થ કરાવ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં 265 કરોડના કામ કર્યા છે અને આગામી સમયના વિકાસ કાર્યોની યાદી તૈયાર કરી લીધી છે એમ જણાવી પ્રજા નિશ્ચિત બની મત આપશે એમ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પ્રસંગે હેમાંગભાઈ વસાવાડાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે 125 બેઠકો સાથે સતા પર આવશે. પ્રવીણભાઈ ગત ટર્મ કરતા વધુ લીડથી ચૂંટાય છે એવો દાવો કરી મને વિજય સરઘસમાં બોલાવજો તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ સરકારે ભૂખ, ભ્રષ્ટાચાર સિવાય કંઈ આપ્યું નથી.ખોટા વાયદાઓ કર્યા છે. આજે ગામડાઓના લોકો વધુ ગરીબ બની રહ્યા છે, ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે, માળખાગત સુવિધાઓનો અભાવ છે, આ તમામને દૂર કરવા માટે કોંગ્રેસને- પ્રવીણભાઈને મત આપવાની વાત તેઓએ કરી હતી. ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, પાક વીમો બંધ કરી દેવામાં આવ્યો છે, ઢોર કાયદા બનાવી પશુપાલકોને હેરાન કરવામાં આવે છે. 100 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી આજે 1100 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. આ સરકાર પ્રજાને મૂર્ખ બનાવે છે. ભાજપ સરકાર ઠગ છે તેમ જણાવી તેઓએ કોંગ્રેસની સરકાર બનાવવા અને મત આપવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં કોંગીસના પીઢ નેતા જે ટી પટેલ, રીટાબા, દીપકભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ શહેર કોંગ્રેસના પ્રમુખ સંજયસિંહ જાડેજાએ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે પી મારવીયાએ કર્યું હતું.