જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા આજે વધુ એક શ્રમિક પરિવાર માટે કાલ બનીને આવ્યું છે. ગઈ કાલે રાત્રે ભારે વરસાદમાં ગામ નજીકના કોઝ વેમાં ભારે પુરમાં પસાર થતું એક બાઈક તણાઈ ગયું હતી. બાઈક ચાલક ટેણીયાનો આબાદ બચાવ થયો હતો જોકે બાઈક પાછળ બેસેલ બે માસુમ ભાઈ-બેનને ઘસમસતું પુર ઘસડી ગયું હતું, આજે સવારે બંને માસુમ ભાઈબેન ના મૃતદેહ મળતા પરિવાર પર આભ ફાટી પડયુ છે.

કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામે એક શ્રમિક પરિવારના સગા-ભાઈ બેન સહિત ત્રણ બાળકોના ડૂબી જતા નિપજેલા મોતનો શોક હજુ યથાવત છે ત્યાં વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. જેનો વિગત મુજબ ગઈ કાલે કાલાવડ પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો જેમાં તાલુકા મથકથી ૪૦ કિમી દુર કાલ મેઘડા ગામે ગત રાત્રે દિલાભાઈ મલાભાઈ રાતડીયાની વાડીએ મજુરી કામ કરતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો મોટર સાયકલ લઇ ગામમાં હટાણું કરવા ગયા હતા. દરમિયાન ભારે વરસાદ પડતા ગામથી વાડી તરફ આવતા રસ્તા પરના પુલ પર ઘસમસતું પુર આવ્યું હતું. આ પુરને પારખવામાં કાચો પડેલ ૧૫ વર્ષીય મોટરસાયકલ ચાલક વિક્રમએ બાઈક પુરમાં નાખ્યું હતું. જેમાં જોત જોતામાં બાઈક તણાવા લાગયું હતું અને બાઈક ઊંધું વળી જતા પાછળ બેઠેલ અલ્પેશ લખધીરભાઈ સાતાજી ઉવ ૯ અને તેની બેન પૂનમ ઉવ ૬ બંને પૂરમાં તણાઈ ગયા હતા જયારે વિક્રમ બાઈક છોડી પૂરના પ્રવાહને પાછળ છોડી બહાર નીકળી ગયો હતો. આ બનાવ અંગે વિક્રમે વાડી તરફ દોટ મૂકી જાણ કરતા પરિવાર અને ગ્રામજનો દોડી આવ્યા હતા પરંતુ તે પૂર્વે તો પાણીનો બહાવ બંને બાળકોને સમાવી ગયો હતો. રાત વીતી ચુકી હોવાથી બંને બાળકોની શોધ મુસ્કેલ બની હતી જો કે સવાર ઘટના સ્થળ નજીકથી જ ભાઈ-બહેનના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવના પગલે છેક પાટણ જીલ્લામાંથી મજૂરી કામ કરવા આવેલ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ : તસ્વીર પ્રતીકાત્મક છે.