જામનગરના બેડી વિસ્તારમાં બે શખ્સોએ એક યુવાનને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી, ચાર લાખના બદલામાં અડધો કરોડ ઉપરાંત રૃપિયા અને બે મકાન પચાવી પાડ્યા હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા પાંચ વર્ષથી આ બંને શખ્સોએ વ્યાજે રૂપિયા આપી યુવાન પાસે 10 ટકા માસિક વ્યાજ વસૂલી ધાક ધમકીઓ પણ આપી હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલા ધરાનગર-૦૧, કાસમભાઇ કોર્પોરેટરના ઘરની સામે રહેતા વેપારી આરીફભાઇ કાદરભાઇ ઘુઘાને વર્ષ 2018માં બેડેશ્વર,ગરીબનગર પાણાખાણમાં રહેતા એજાજ ઉમરભાઇ સાઇચાએ અલગ અલગ સમયે રૂપીયા ૪,૦૦,૦૦૦/- ૧૦% (ટકા) માસીક વ્યાજ લેખે ઉચા વ્યાજ દરે આપ્યા હતા. આ રકમ પેટે સમયાંતરે આરીફભાઈએ ચુકવણું પણ કર્યું હતું, છતાં પણ વ્યાજની રકમ વસુલાત માટે સતામણી કરી રૂ.૪૬,૦૦,૦૦૦/ (છેતાલીસ લાખ) વસુલી તેમજ વેપારીના પિતાના નામે આવેલ મકાન બળજબરીથી ધાકધમકી આપી પોતાના નામે લખાવી લીધું હતું અને પિતા પુત્ર રસ્તા પર આવી ગયા હતા.
આ ઉપરાંત આરોપી ધરાનગર-૦૧, ઇદ મસ્જીદની બાજુમાં રહેતા આરોપી ઇકબાલ ઇબ્રાહિમભાઇ ઘુઘા પાસે પણ નાણા ધીરધારનુ લાઇસન્સ ન ધરાવતા હોવા છતા આરીફભાઈને રૂ.૪,૦૦,૦૦૦/- ૧૦% (ટકા) માસીક વ્યાજ લેખે ઉચા વ્યાજ દરે આપી, આરીફભાઈ પાસેથી કુલ વ્યાજની રકમ વસુલાત માટે સતામણી કરી રૂ.૧૨,૦૦,૦૦૦/-(બાર લાખ) વસુલી તેમજ તેઓના નામે આવેલ મકાન બળજબરીથી ધાકધમકી આપી પોતાના મામાના નામે લખાવી લઇ ભુંડી ગાળો બોલી હતી. આરીફભાઈએ જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી કરી બંને શખ્સો સામે આઇ.પી.સી.કલમ ૩૮૪,૫૦૪,તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ ની કલમ ૫,૪૦,૪૨ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝનના પીએસઆઇ ગુનો એ.વી.વણકર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.