કનસુમરાના વિવાદિત જમીન પ્રકરણમાં ફરી થયેલ એકત્રીકરણની અરજી ખારીજ

0
852

જામનગર શહેરની ભાગોળે આવેલ કનસુમરા ગામના વિવાદિત જમીન પ્રકરણમાં વધુ એક વખત સળવળાટ સામે આવ્યો છે. વિવાદિત જમીનના એકત્રીકરણની અરજી પ્રથમ વખત પ્રાંત અધિકારીએ રદ કરી હતી છતાં પણ આ જ સર્વે નંબરોની એકત્રીકરણની ફરી અરજી કરવામાં આવી હતી. જે ધ્યાને આવતા જ આ વખતે મામલતદારે જ અરજી રદ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અહીં જુદા જુદા સર્વે નમ્બરની ખેતીની જમીન એકત્રીકરણ વગર અને હેતુફેર વિના જ ઔદ્યોગિક જોનમાં તબદીલ થઇ વેચાવા લાગી છે.

વિવાદિત જમીન અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના કનસુમરા ગામે આવેલ ખેતીની જમીનના સ.નં.૨૦૦, ૨૦૧ અને સ.નં.૨૦૬ વાળી આવેલ છે. અગાઉ આ જમીનનું એકત્રીકરણ કરી આપવા માંગણી કરવામાં આવી હતી. જે અરજી અનુસંધાને તા.૨૧/૪/૨૦૨૩ ના હુકમથી જમીનોનું એકત્રીકરણ કરવા મંજુરી આપવામાં આવી હતી. ત્રણ સર્વે નંબરની આ જમીનનું એકત્રિકરણ કરવા માટે જે અરજી કરવામાં આવી હતી તે અરજી ગામ નમુના નં.૭ માં કબ્જેદાર તરીકે ચાલતા અને અરજીની તારીખે અવસાન પામેલ મર્હુમ આદમ કરીમના નામે કરવામાં આવી હતી. આ અરજી જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જે હકીકત ધ્યાને આવતા પ્રાંત કચેરી દ્વારા તા.૨૧/૪/૨૦૨૩ નો હુકમ રદ કરવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી દ્વારા નવેસરથી નિર્ણય લેવા અને સૂચના આપવામાં આવ્યા હતા. જેને લઈને જમીન મૂળ સ્થિતિમાં રહી છે. પ્રાંત અધિકારીએ એકત્રિકરણ રદ કર્યું છે છતાં પણ આ જ જમીનનું એકત્રિકરણ કરવા વધુ એક વખત હનીફ કરીમભાઈ ખીરા દ્વારા અરજી કરવામાં આવી હતી.

આ જમીનના ગામ નમુના નં.૭ માં કબ્જેદાર તરીકે ચાલતા ખાતેદારો પૈકી આદમ કરીમ, મહમદહુશેન કરીમ, ખતીજા કરીમ, યુસુફ કરીમ, ફાતમા વલીમામદ અને ઝરીના આમદનું અવસાન થયેલ છે. પરંતુ મૃતકોના મરણ પ્રમાણપત્રની નકલ સામેલ નથી. ઉપરાંત અવસાન પામેલ ખાતેદારોના સીધી લીટીના વારસદારો રેકર્ડ પર લેવામાં આવ્યા નથી.  જે તે અરજદાર દ્વારા જમીનનું એકત્રીકરણ કરી આપવા સોગંદનામાંથી સંમતિ આપેલ છે. પરંતુ સંમતિ આપનાર ગુજરનારના સીધી લીટીના વારસદારો છે તેના સમર્થનમાં કોઈ વારસાઈ આંબો રજુ થયેલ નથી તેમજ જમીનનું એકત્રીકરણ કરી આપવા સોગંદનામાં થી સંમતિ આપનાર તમામ વ્યકિત સગીર કે પુખ્ત ઉંમરના છે તેની કોઈ વિગતો રજુ કરવામાં આવી નથી.

આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે આ જમીનના હકક-હિસ્સા બાબતે નામદાર સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. જે કેસ સીવીલ કોર્ટ સમક્ષ પેન્ડીંગ છે. આ કેસમાં કોર્ટે કોઈ મનાઇ હુકમ આપેલ નથી. પરંતુ જમીનના હાલના કબ્જેદારો વચ્ચે જમીનની વહેંચણી થયેલ નથી, સંયુકત માલિકીની અવિભાજય હિસ્સાવાળી જમીન છે. કોર્ટમાં થયેલ દાવા અરજીમાં ઉપરોક્ત ત્રણેય સરવે નંબરોનો ઉલ્લેખ કરેલ છે. જેથી આ જમીનોનું એકત્રીકરણ કરવામાં આવે, તો સ.નં.૨૦૦, ૨૦૧ અને ૨૦૬ વાળી જમીનના ક્ષેત્રફળમાં અને જમીનના સરવે નંબરમાં પ્રત્યક્ષ રીતે ફેરફાર થઈ શકે. આ તમામ પ્રતિકુળ કારણો સમક્ષ રાખી જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા ફરી વખત કરવામાં આવેલ એકત્રિકરણની અરજી રદ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here