જામનગર : રાત્રે વધુ બે વખત ભૂકંપ, મોટી આપતીનો આગાઝ ? કેમ થાય છે સતત સળવળાટ ?

0
674

જામનગર : જામનગર જીલ્લામાં સતત હળવા ભૂકંપના આચકા નોધાઇ રહ્યા છે. સોમવારે ભારે વરસાદમાં પણ આ સિલસિલો ચાલુ  રહ્યો હતો અને બપોરે બાદથી મંગળવારે વહેલી સવાર સુધીના ૧૮ કલાકના ગાળામાં પાંચ આંચકા અનુભવાયા હતા. આ આંચકાઓ બાદ આજે બુધવારે ગત રાત્રેએ વધુ બે આંચકા અનુભવાયા છે. બે દિવસમાં સાત આંચકોથી ભય યથાવત રહ્યો છે.

જીલ્લામાં ભૂકંપના હળવા આચકાનો પ્રવાહ વણ થંભ્યો રહ્યો છે.  સોમવારે બપોરે બાદ ૩:૩૯ વાગ્યે ૨.૫ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ લાલપુરથી ૩૧ કિમી દુર કાલાવડ પંથકનું બાંગા ગામ નોંધાયું હતું. આ આંચકો જમીનથી ૧૨.૧ કિમીની ઊંડાઈએથી સ્ફૂર્તિ થયો હતો. જયારે સાંજે ૬:૪૦ વાગ્યે ૧.૮ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો  જેનું કેન્દ્રબિંદુ કાલાવડ નજીક દુધાળા ગામ નજીક નોંધાયું હતું. આ ભૂકંપ જમીનથી ૩.૧ કિમીની ઊંડાઈએ ઉદ્ભવ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે એક કલાક બાદ વધુ એક આંચકો અનુભવાયો હતો, જે સાંજે ૭:૩૪ વાગ્યે ૨.૫ની તીવ્રતા ધરાવતો હતો, આ આંચકો પણ કાલાવડ પંથકના બાંગા ગામેથી કેન્દ્રિત થયો હતો.

જયારે મંગળવારે મોડી રાત્રે ૨:૦૮ વાગ્યે ૨.૨ની તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો. સાડા ત્રણ કિમી ઊંડાઈએ ઉદ્ભવેલ આ આંચકાનું કેન્દ્રબિંદુ લાલપુરથી ૧૮ કિમી દુર કાલાવડ તાલુકાનું કરણા ગામે નોંધાયું છે. જયારે મંગળવારે વહેલી સવારે ૬:૧૧  મીનીટે ૨.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેનું કેન્દ્ર બિંદુ લાલપુરથી ૩૧ કિમી દુર કાલાવડ પંથકમાં દુધાળા ગામ નજીક નોંધાયું છે. જયારે આ આંચકો જમીનથી પાંચ કિમી ઊંડાઈએ ઉદ્ભવ્યો હોવાનું પણ નોંધાયું છે.

જયારે આજે બુધવારે પણ આંચકાઓનો દોર યથાવત રહ્યો છે. બુધવારે મોડી રાત્રે ૯:૦૬ મીનીટે લાલપુરથી ૨૫ કિમી દુર કાલાવડ પંથકમાં ૨.૨ની તીવ્રતાથી ધરતી ધ્રુજી હતી. આ ભૂકંપ જમીનથી ૨.૩ કિમીના અંતરે ઉદ્ભવ્યો હતો જયારે મોડી રાત્રે ૨:૧૫ વાગ્યે વધુ એક આંચકો અનુભવાયો હતો. જામનગરથી ૨૯ કીમી દુર કાલાવડ પંથકમાં ૧.૮ કિમીની ઊંડાઈએથી શરુ થયેલ આ ભૂકંપની તીવ્રતા ૨.૪ માપવામાં આવી છે. સતત આવતા આંચકાઓને લઈને ભયનો માહોલ બરકરાર રહ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષથી કાલાવડ પંથકમાં સળવળાટ શરુ થયો છે. કચ્છ, મોરબી, જામનગર અને જુનાગઢને જોડતી આ ફોલ્ટ લાઈન સક્રિય થઇ છે. છેલ્લા ત્રણ  માસમાં નોંધાયેલ મોટાભાગના ભૂકંપ આ જ લાઈન પર સર્જાયા છે. ત્યારે જૂની લાઈન સક્રિય થઇ હોવાનું સિસ્મોલોજી ડીપાર્ટમેન્ટ કહી રહ્યું છે. બીજી તરફ નાના આંચકાઓ બાદ મોટા આંચકાઓની સંભાવના નહીવત રહે છે. ત્યારે સતત હળવા કંપનો વચ્ચે થોડી રાહત છે પરંતુ હજુ સુધી ભૂકંપ અંગે કોઈ આગાહી કરી શકાતી નથી એટલે નાના આંચકાઓ બાદ વધુ તીવ્રતા વાળા આંચકા અનુભવાય તો નવાઈ નહિ, કારણ કે સક્રિય ફોલ્ટ લાઈન કેટલો સમય સુધી એ સ્થિતિમાં રહી શકે એ પણ વૈધાનિક રીતે પ્રતિપાદિત થઇ શક્યું નથી. પરંતુ હાલ હળવા આંચકાથી ક્યાય પણ નુકસાની કે હતાહતના સમાચાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here