સનસનાટી: ચાર શખ્સોએ નયારા કંપનીના મેનેજરનું કર્યું અપહરણ, કરોડોનો કોન્ટ્રાકટ કારણભૂત

0
791

જામનગર અપડેટ્સ : જામનગરમાં સપ્તાહ પૂર્વે પોતાની કાર લઇ કંપનીથી જામનગર તરફ આવી રહેલ નયારા કંપનીના મેનેજરની કારને આંતરી લઈ ચાર શખ્સોએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. અપહરણકારોની ચુંગાલમાંથી છૂટી મેનેજરે પોલીસનો સહારો લીધો છે. કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ મેળવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ગામના શખ્સે અન્ય ત્રણ અજાણ્યા શખ્સોની મદદથી કંપનીના મેનેજરનું અપહરણ કરી, માનસિક યાતનાઓ આપી ધમકી આપી હોવાનો આરોપ લગાવાયો છે.

સમગ્ર હાલારમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલ નયારા કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને જામનગર રહેતા પવનકુમાર મનીન્દરકુમાર શર્મા ગત તા.15મી ના રોજ સાંજે 6 વાગ્યે કંપનીમાંથી નોકરી પૂરી કરી પોતાની ઇનોવા કારમાં જામનગર તરફ આવતા હતા ત્યારે મેઘપર ગામના પાટીયા પાસે એક ક્રેટા કારે મેનેજરની કારને આંતરી લીધી હતી. ક્રેટા કારમાંથી નીચે ઉતરેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના રણજીતસિંહ ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ કલુભા જાડેજા સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ઇનોવા કાર પણ આવ્યા હતા. આરોપીઓએ મેનેજર પવનકુમારની ઇનોવા કારનો દરવાજો ખોલી તેઓને નીચે ઉતારી જાનથી મારી નાખવાની અને ટાટીયા ભાંગી નાખવાનો ભય બતાવી ધમકી આપી હતી. બિભત્સ વાણી વિલાસ આચરી આરોપીઓએ મેનેજર પવનકુમારને તેઓના કબ્જાની ક્રેટા કારમાં બળજબરી પૂર્વક બેસાડી અપહરણ કરી ગયા હતા. જયાં આ શખ્સોએ મેનેજરને માનસિક હેરાન-પરેશાન કર્યા હતા. આ ઉપરાંત આરોપીઓએ મેનેજર શર્માને સતત ફોન કરી ધાક-ધમકીઓ આપી હતી.
નયારા કંપનીમાં નવા પ્રોજેકટમાં રૂા.5 કરોડનો કોન્ટ્રાકટ મેળવવા માટે આ વારદાતને અંજામ આપવામાં આવ્યો હોવાનું મેઘપર પોલીસ દફતરમાં જાહેર થયું છે. કંપનીના મેનેજર શર્માએ આરોપી રણજીતસિંહ જાડેજા તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે મેઘપર પોલીસ દફતરમાં આઇપીસી કલમ 341, 342, 365, 387, 504, 506(2), 114 અને જીપીએકટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મેઘપર પી.એસ.આઇ કે.આર.સિસોદીયા સહિતના સ્ટાફે આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here