DSP બંગલા સામેની દુકાનમાંથી એક લાખની આ વસ્તુની થઈ ચોરી

0
619

જામનગર અપડેટ્સ : જામનગરમાં ડી.એસ.પી. બંગલાની સામે આવેલ એક દુકાન બહાર રાખવામાં આવેલ મુદામાલમાંથી એક લાખનો મુદામાલ ચોરી થઇ ગયાનો બનાવ પોલીસ દફતરે પહોંચ્યો છે. પાંચ દિવસ પૂર્વે દુકાન બહાર રાખવામાં આવેલ ચાર પાર્સલમાંથી એક પાર્સલની ચોરી થયાની દુકાનદાર દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પાર્સલમાં એક લાખની કિંમતની ડાયાબીટીસ માપવાની 200 સ્ટીક હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા સી.સી. ટીવી ફૂટેઝની મદદ લીધી છે. અમુક શકમંદ આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં નાગેશ્ર્વર પાર્ક સોસાયટીમાં રહેતા અને ડી.એસ.પી. બંગલા સામે આવેલા પેનોરમા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા મેહુલભાઇ સતીષભાઇ વોરાએ ગઇકાલે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ચોરીના બનાવ અંગેની વિધિવત ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત તા.19મી ના રોજ બપોરથી સાંજ સુધીના ગાળા દરમ્યાન દુકાન બહાર ચાર પાર્સલ રાખ્યા હતા. આ પાર્સલમાંથી એક પાર્સલની ચોરી થવા પામી હતી. ચોરી થયેલ પાર્સલમાં રૂા.1,07,520ની કિંમતના ડાયાબીટીસ ચેક કરવા માટેના 200 સ્ટીકની જોડી હતી. પાર્સલ ચોરી થઇ જતા દુકાનદારે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે કોમ્પ્લેક્ષ અંદર અને બહારના સી.સી.ટીવી ફૂટેઝ કબ્જે કર્યા હતા. જેમાં અમુક શખ્સોની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. આ શખ્સો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અમુક શખ્સો સુધી પહોંચી ગઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here