જામનગર : જામનગર જીલ્લાના જોડીયામાં પડેલા ભારે વરસાદના કારણે વ્યાપક તબાહી સર્જાઈ છે. ખરીફ પાક અને ખેતીવાડીને નુકસાની પહોચી છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે. એમાય માવનું ગામ પાસે રસ્તા પરનો પુલનો ધોવાઈ જતા આમરણ વાળો આ રસ્તો બંધ થઇ ગયો છે. જેને લઈને આ કચ્છ અને જામનગર તરફનો ટ્રાફિક વાયા મોરબી-ટંકારા તરફથી ડાયવર્ટ કરી દેવાયો છે.
બે દિવસ પૂર્વે જોડીયા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે જામનગર-જોડિયા-આમરણ તરફનો કચ્છનો માર્ગ બંધ થઇ ગયો છે. જોડિયા ભાદરા સર્કલ રોગ કિમી ૪૫ થી ૭૩ વચ્ચેનો ૨૮ કિમી સુધીનો માર્ગ બંધ થઇ ગયો છે. આ રસ્તાના વિકલ્પ રૂપે જીલ્લા કલેકટરે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં માળિયાથી આમરણને બદલે મોરબીથી વાયા ટંકારા-સાવલી-લતીપર- ધ્રોલના રસ્તે ડાયવર્ટ કરી દેવાયો છે. ૨૮ કિમીના આ રોડ પર અવરજવર માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અન્ય જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. જેથી જામનગર-કચ્છ આવાગમન કરતા તમામ વાહન ચાલકોને મોરબી તરફના રસ્તાનો ઉપયોગ કરી જામનગર-કચ્છ તરફ પરિવહન કરવાનું રહેશે.