જામનગર : જામનગરની જીજી હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં આવેલા આઇસીસીયુ વોર્ડમાં પોણા ત્રણેક વાગ્યાના સુમારે ભયંકર આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ જોતજોતાંમાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓના સગા સબંધીઓ અને મેડિકલ સ્ટાફે તત્કાલ બચાવ કામગીરી હાથ ધરી બચાવ કામગીરી હાથ ધરી સારવાર લઈ રહેલા નવ દર્દીઓને સલામત રીતે ઉગારી અન્ય વોર્ડમાં ખસેડી લીધા હતા આ બનાવના પગલે જામનગર ફાયરની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી લપકારા મારતી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. પરંતુ આગ નિયંત્રિત થાય તે પૂર્વે આ વોર્ડની તમામ મશીનરી આગમાં ખાખ થઈ ગઈ હતી. અને આગનો આ બનાવ પાછળ છોડી ગયો છે અનેક સવાલો…
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ આઇસીસીયુ વોર્ડમાં આજે પોણાત્રણ વાગ્યાના સુમારે એકાએક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગના આ બનાવના પગલે વોર્ડમાં દાખલ નવ દર્દીઓના જીવનું જોખમ સર્જાયું હતું. દુમદા સાથે ફાટી નીકળેલ આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી અને વોર્ડ અંદરની બેડ સહિતની તમામ મશીનરી એકપછી એક ઝપટે ચડી રહી હતી. આ ઘટનાના પગલે દર્દીઓના સગાસબંધીઓ અને તબીબી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. વિકરાળ આગ દર્દીઓને ઝપટે લે તે પૂર્વે સગા સબંધીઓ અને મેડિકલ સ્ટાફ તેમજ સિક્યોરિટી સહિતનાઓ એ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
વોર્ડમાં બે જ દરવાજા હોવાથી જે પેશન્ટને દરવાજેથી લઈ જવાયા હતા પરંતુ અન્ય દર્દીઓને બહાર કાઢવા માટે સગા સબંધીઓ અને મેડિકલ સ્ટાફે વોર્ડની બંને તરફની તમામ બારીઓ તોડી નાખી હતી અને ધૂમડાઓના ગોટા વચ્ચે પણ તમામને બહાર કાઢ્યા હતા. આ બનાવના પગલે ત્વરિત જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્રણ ગાડીઓ સાથે સ્થળ પર પહોચી હતી. અને તાત્કાલિક પાણીઓનો મારો ચલાવી લપકારા મારતી આગ પર નિયંત્રણ મેળવવા કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જો કે ફાયર આગ પર નિયંત્રણ મેળવે તે પૂર્વે તમામ મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવને લઈને કલેક્ટર, હોસ્પિટલ અધિક્ષક, મહાનગર પાલિકા કમિશ્નર, મેડિકલ કોલેજના ડિન સહિતના ઉચ્ચ અધિકારીઓએની ટિમ સ્થળ પર પહોચી હતી.
શું કહેવું છે કલેક્ટરનું ?
હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ જામનગર માટે ખુબજ ગંભીર બાબત છે ત્યારે આ બનાવ શૉટ સર્કિટથી બન્યો હોવાનું કલેક્ટર રવિશંકરએ જણાવ્યુ છે. જો કે આગ લાગતાંજ વોર્ડમાં દાખલ તમામ દર્દીઓને ઉગારી લેવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યુ છે. હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ અને ફાયર સેફ્ટીમાં રહેલી ઉણપ તેમજ ઇલેક્ટ્રીક વિભાગના અધિકારીઓએની બેદરકારીના કારણે આ આગ વિકરાળ બની હોવાના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યુ હતું કે આગ લાગી છે એ સત્ય છે પરંતુ આ ઘટના પાછળ કોણ જવાબદાર છે તેની તપસ કર્યા બાદ જ કઈક કહી શકાય. તો બીજી તરફ કલેકટરે એવો દાવો પણ કર્યો હતો કે તાજેતરમાં જ હોસ્પિટલની ફાયર સેફ્ટીને લઈને એક ઓડિટ પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ ઓડિટ બાદ શું પગલાં ભરવામાં આવ્યા તેનો જવાબ કલેકટર આપી શક્યા ન હતા અને ગોળ ગોળ જવાબો આપી જીજી હોસ્પીટલમાં રહેલી ઉણપને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.