જામનગર : બસ હવે થોડી કલાકો જ, કોર્પોરેટર્સનું અંતિમ ઘડીનું લોબિંગ, આવું છે ચિત્ર

0
398

જામનગર : ભાજપાએ તાજેતરની સામાન્ય ચૂંટણીમાં તોતિંગ બહુમતી મેળવી સતા જાળવી રાખી છે. ત્યારે હવે ગણતરીની કલાકો જ બાકી છે નગરના પ્રથમ અઢી વર્ષ માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયાને, ત્યારે બે મહિલાઓને પ્રબળ દાવેદાર માનવા આવી રહી છે આ જ સિલસિલો અન્ય પદમાં પણ રહેવા પામ્યો છે.
આવતીકાલે સવારે 9:30થી 10 વાગ્યા દરમ્યાન ભાજપ તેના કોર્પોેરેટરોની બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સહિતના 12 સભ્યો ઉપરાંત શાસકપક્ષના નેતા અને દંડકના નામ જાહેર કરાશે. પક્ષે જે તે પદ માટે નામ નક્કી કરી લીધા છે પરંતુ તે અંગે ગુપ્તતા એવી હોવાથી પદ માટેના દાવેદારો આજની તારીખે પણ વગદાર નેતાઓ સમક્ષ લોબીંગ કરી રહયા છે અને કદાચ આવતીકાલે સવાર સુધી અમુક કોર્પોેરેટરો એડીચોટીનું જોર ચાલુ રાખે તેવી પણ શકયતા છે.
મેયરપદ માટેની રેસમાં બિનાબેન કોઠારી (વોર્ડ.નં.5), કુસુમબેન પંડયા (વોર્ડ.નં.9) મુખ્ય દાવેદાર ગણાય છે. જયારે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનપદ માટે મનીષભાઇ કટારીયા, અરવિંદભાઇ સભાયા, તેમજ ડેપ્યુટી મેયરપદ માટે તપન પરમારનું નામ મોખરે છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પાર્લામેન્ટ્રી બોર્ડમાં જામનગર ભાજપની ટીમને એવુ પણ કહ્યું હતું કે તમે સુચવેલા નામોની પેનલમાંથી જ કોઇ નામ પસંદ થશે જ તેવું જરૂરી નથી. પેનલ સિવાયના કોર્પોરેટરની પસંદગી પણ પાર્ટી કરી શકે છે. પ્રદેશ પ્રમુખ પાટીલે કદાચ એવો ગર્ભિત ઇશારો કદાચ આપ્યો હોય કે મુખ્ય પાંચ હોદામાંથી એક બે હોદા માટે ચર્ચામાં ન હોય તેવું નામ પસંદ કરાશે. આમ પણ ભાજપની નેતાગીરી દર વખતે એક કે બે હોદેદાર માટે કોથળામાંથી બિલાડુ કાઢવા ટેવાયેલ છે. ધારાસભ્યની 2017ની ચુંટણી વખતે એક ડઝન જેટલા જાણિતા ચહેરા-નેતાઓ 79 જામનગરની બેઠકના દાવેદાર હતા તે બધાને સાઇડ લાઇન કરી ભાજપએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પી.એમ.મોદીની ગુડબુકમાં રહેલા આર.સી.ફળદુને ટિકીટ આપી અને  જીત્યા બાદ કેબીનેટ મંત્રીનો દરજજો પણ આપ્યો હતો.આમ ભાજપમાં ગમે ત્યારે કોઇના નશીબ સાથ આપી શકે છે કે સાથ છોડી શકે છે. આમ છતા પદ માટેની રેસમાં સામેલ કોર્પોરેટરો દ્વારા ચુંટણીની ગણત્રીની કલાકો પહેલા આજે પણ આકાઓ સમક્ષ લોબીંગ ચાલુ રહ્યું હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here