જામનગર : જામજોધપુર સસ્તા અનાજ કૌભાંડનો રેલો દેવભૂમિ દ્વારકા જીલ્લા તરફ

0
1610

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુરમાં ચાલતા સસ્તા અનાજના કૌભાંડને પોલીસે ઉઘાડું પાડ્યું હતું. સસ્તા અનાજનો જથ્થો ટ્રકમાં ભરી ખાનગી ફૂડ પ્રોડકટમાં સપ્લાય કરાતો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી ઓપરેટ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અને સ્થાનિક તંત્ર દ્વારા હાલ ઘઉંના ૩૦૧ કટ્ટા કબજે લેવામા આવ્યા છે.

જામજોધપુર તાલુકાના કોટડા પાટિયા પાસેથી ગઈ કાલે રાત્રે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ વખતે કોટડા બાવીસી ગામના પાટિયા પાસે આવેલ વ્રજ ફ્રુડ પ્રોડક્ટ્સ નામના કારખાનામાં એક ટ્રકમાંથી અનાજનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનું સામેં આવતા પોલીસે ટ્રક અને અનાજના જથ્થા અંગે ખરાઈ કરી હતી. જેમાં કારખાનામાં જે જથ્થો ઉતારવામાં આવતો હતો તે સસ્તા અનાજની દુકાનનો હોવાનું સામે આવ્યું હતું. સરકારી સસ્તા અનાજની દુકાનનો આ જથ્થો ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે ? તેમજ કોણ કોણ સંડોવાયું છે ? તે સબંધે આગળની કાર્યવાહી સ્થાનિક મામલતદાર દ્વારા કરવાની થતી હોવાથી પોલીસે મામલતદારને જાણ કરી હતી. જેને લઈને મામલતદાર કચેરીનો સ્ટાફ કારખાના તરફ દોડ્યો હતો. જ્યાં મિલમાંથી સસ્તા અનાજનો ૩૦૧ કટ્ટા ઘઉંનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને એફસીઆઈના ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ જથ્થો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ખાતેથી અહી સપ્લાય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભાણવડમાં કોના દ્વારા આ જથ્થો બારોબાર ધાબડી દેવામાં આવે છે ? કેટલા સમયથી આ પ્રકરણ ચાલુ છે અને કોણ કોણ સંડોવાયેલ છે ? આ તમામ બાબતોનો તાગ મેળવવા સ્થાનિક તંત્રએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here