જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે રહેતા પુત્ર પર પિતાએ હુમલો કરી માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. રૂપિયાની લેવડદેવડમાં થયેલ મનદુઃખને લઈને પિતાએ પુત્રને ગેડા વડે માર માર્યો હોવાની વિગતો જાણવા મળી છે.
લાલપુર તાલુકાના ગોવાણા ગામે રહેતા રામદેભાઇ રણમલભાઇ કરંગીયાએ પોતાના જ પિતા રણમલભાઇ એભાભાઇ કરંગીયા સામે ફરિયાદ નોંધાવી છે. જેની વિગત મુજબ પિતાએ વારસાઈ જમીન અને સંપતિના ભાગ પાડી ત્રણેય ભાઈઓને નોખા કરી દીધા હથા. દરમિયાન રામદેભાઈ અને ગોવીંદભાઇના ભાગમાં આવેલ લાલપુર ખાતેની દુકાન હાલમાં જ બંનેએ વેચી હતી. આ દુકાન વેચાણમાંથી જે રૂપિયા આવ્યા હતા તેમાંથી પિતાએ ભાગ માંગી ઉઘરાણી કરી હતી. જેની સામે રામદેભાઈએ ભાગ ન હોવાનું કહ્યું હતું. જેના મનદુઃખને લઈને ગઈ કાલે પિતાએ પુત્ર પર લાકડાના ગેડાનો ઘા કરી ડાબી બાજુ પેટમાં તથા ઢીકા પાટુથી શરીરે મુંઢમાર મારી ઈજા પહોચાડી હતી. સગા બાપ સામે ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.