જામનગર જિલ્લા પંચાયત : ભાજપનો ભવ્ય વિજય, કયા ઉમેદવારે કોને હરાવ્યા ? આવું છે ચિત્ર

0
1189

ગત્ તા.28ના રોજ જામનગર જિલ્લા પંચાયત તેમજ છ તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં આજે તાલુકા કક્ષાએ જુદા-જુદા મતગણતરી કેન્દ્રો ઉપર મતગણતરી હાથ ધરાઇ હતી. જામનગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતની તમામ બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. જેમાંથી ૧૮ બેઠક ઉપર ભાજપ, 1 બેઠક ઉપર બસપા અને ૫ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો.

જામનગર જિલ્લા પંચાયતની આમરા બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. આ બેઠક ઉપર ભાજપે પોતના ઉમેદવાર નયનાબેન રણછોડભાઇ પરમારને રિપીટ કર્યા હતાં. તેની સામે કોંગ્રેસના કિરણબા ઉપેન્દ્રસિંહ જાડેજાની હાર થઇ હતી. અલિયા બેઠકની વાત કરીએ તો આ વખતે આ બેઠક ઉપર મેજર અપસેટ જોવા મળ્યો હતો. 2015ની ચૂંટણીમાં આ બેઠક ઉપર કોંગ્રેસના વસરામભાઇ રાઠોડનો વિજય થયો હતો પણ વર્ષ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસે પણ વસરામભાઇની ટિકીટ કાપી હતી. આથી વસરામભાઇએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતાં પરંતુ અલિયાના મતદારોએ આ વખતે ભાજપના ઉમેદવાર પર પસંદગી ઉતારી હતી. આમ અલિયાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર કમલેશભાઇ નારણભાઇ ધમસાણિયાનો 435 મતની લીડથી વિજય થયો હતો. આમ આ બેઠક ઉપર ભાજપે કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લીધી હતી.

ધુતારપુર બેઠકનું પણ પરિણામ જાહેર થયું હતું. આ બેઠક ઉપર પણ અપસેટ સર્જાયો હતો. ભાજપે આ બેઠક પણ કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. વર્ષ 2015ની ચૂંટણીમાં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નયનાબેન માધાણીનો વિજય થયો હતો. પરંતુ વર્ષ 2021ની ચૂંટણીમાં આ બેઠક ઉપર ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતભાઇ ગોરધનભાઇ બોરસદીયાનો આ બેઠક ઉપરથી વિજય થયો હતો. આ બેઠક ઉપરથી કોંગ્રેસે પૂર્વ પ્રમુખ નયનાબેન માધાણીની ટિકીટ કાપી તેમના પતિ પ્રવિણભાઇ જીવરાજભાઇ માધાણીને ટિકીપ આપી હતી પરંતુ પ્રવિણભાઇ જીતવામાં નિષ્ફળ રહ્યાં હતાં. ભાજપના ઉમેદવાર ભરતભાઇ બોરસદિયાને 7020 મત મળ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઇને 5637 મત મળ્યા હતાં.

જામનગર જીલ્લા પંચાયતની ચૂંટણીમાં જામજોધપુર તાલુકાની મોટી ગોપની જીલ્લા પંચાયતની એક બેઠકમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, અને કોંગ્રેસે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીની ટિકિટ કાપી નાખતાં મોટી ગોપ ની બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ માંથી રાજીનામું આપીને બસપા માંથી ચૂંટણી લડનારા પૂર્વ  જિલ્લા પંચાયતના સદસ્ય અને યુવા કોંગી અગ્રણી હેમતભાઈ ખવાર બસપા માંથી જીત મેળવી લીધી છે, અને કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આ બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાયો હતો. જેમાં બસપાએ બાજી મારી લીધી છે. જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતભાઈ ખવા ને પાર્ટી તરફથી ટિકિટ નહીં અપાતા તેમણે બળવો કર્યો હતો, અને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દઇ બસપામાંથી ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું. મોટી ગોપ ની બેઠક પર કોંગ્રેસ-ભાજપ બસપા અને આમ આદમી પાર્ટી વચ્ચે ચતુષ્કોણીય જંગ હતો. જેમાં મુખ્ય સ્પર્ધા તો બસપાના ઉમેદવાર હેમતભાઈ ખવા અને ભાજપના ઉમેદવાર ગોપ ગામના પૂર્વ સરપંચ રાજશીભાઇ નંદાણીયા વચ્ચે જ હતો. જેમાં આખરે હેમતભાઈ ખવાના માતા સાજીબેન હરદાસભાઇ ખવાનો વિજય થયો છે. આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના બન્નેના ઉમેદવારોનો પરાજય થયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર કુસુમબેન રાજાભાઇ નંદાણિયા અને કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન મશરીભાઇ કંડોરિયાનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લાની ખીમરાણા બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આ બેઠક ઉપરથી ભાજપે ભાવનાબેન નંદલાલભાઇ ભેંસદડિયાને ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં. ભાવનાબેન ખીમરાણા બેઠકના મતદારોને રીઝવવામાં સફળ રહ્યાં હતાં. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલાબેન નરસિંહભાઇ કટેશિયાનો પરાજય થયો હતો. આ બેઠક ઉપરથી વિજેતા થયેલા રસિકભાઇ કોડિયાનારિયા ભાજપમાં જોડાયા હતાં. પરંતુ આ બેઠક મહિલા અનામત હોય તેઓને ટિકીટ ન આપતા તેમની જગ્યાએ ભાજપે ભાવનાબેનને ટિકીટ આપી હતી.

જામનગર જિલ્લાની જોડિયાની બેઠક ગત્ વખતે કોંગ્રેસ પાસે હતી. તે આ વખતે ભાજપે કબ્જે કરી છે. ભાજપના ઉમેદવાર ધરમશીભાઇ રામજીભાઇ ચનિયારાનો વિજય થયો છે. જ્યારે આ બેઠક ઉપરથી કોંગ્રેસના મનોજભાઇ ભિમાણીનો પરાજય થયો છે.

જોડિયા તાલુકાની પીઠડની જિલ્લા પંચાયતની બેઠક ગત્ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે હતી. આ બેઠક મહિલા અનામત જાહેર થતાં શિક્ષણ સમિત્તિના ચેરમેન મોહનભાઇ પરમાર ચૂંટણી નહીં લડતા તેમના સ્થાને કોંગ્રેસે વનિતાબેન લાભુભાઇ વસનાણીને ટિકીટ આપી હતી પરંતુ તેઓનો પરાજય થયો હતો. ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરાનો વિજય થયો હતો.

ધ્રોલ તાલુકાની લતિપરની બેઠક ઉપર ગત્ ટર્મમાં આ બેઠક ઉપરથી કોંગે્રસના ઉમેદવાર જયેન્દ્ર મુંગરા વિજય થયા હતાં. તેઓ બાદમાં ભાજપમાં જોડાયા હતાં. તેઓને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલના પુત્ર હોવાના નાતે ભાજપે ટિકીટ આપેલ ન હતી અને આ બેઠક સ્ત્રી અનામત પણ જાહેર થતાં જયેન્દ્રભાઇની ટિકીટ કપાઇ હતી. તેમના સ્થાને ભાજપે પ્રવિણાબેન મનસુખભાઇ ચભાડિયાને ટિકીટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતાં અને તેમનો વિજય થયો હતો. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર નર્મદાબેન મુકેશભાઇ અણદાણીનો પરાજય થયો હતો.

ધ્રોલ તાલુકાની ખારવાની બેઠક ઉપરથી ભાજપે પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિત્તિના ચેરમેન લખધીરસિંહ જાડેજાને ટિકીટ આપીને મેદાનમાં ઉતારેલ હતાં. જેમાં તેઓનો આ બેઠક ઉપરથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઇ કરશનભાઇ પટેલનો પરાજય થયો હતો.

કાલાવડ તાલુકાની જિલ્લા પંચાયતની ખંઢેરાની બેઠક ઉપરથી ભાજપે જગદીશભાઇ સાંગાણીને મેદાનમાં ઉતારેલ હતાં. તેની સામે કોંગ્રેસના દિપકભાઇ વિઠ્ઠલભાઇ વસોયાનો પરાજય થયો છે. જ્યારે ભાજપના જગદિશભાઇનો વિજય થયો હતો.

કાલાવડની ખરેડીની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર કાન્તાબેન જસમતભાઇ તાળા આ ચૂંટણી લડ્યા હતાં અને તેમનો વિજય થયો હતો. તેની સામે ભાજપના ઉમેદવાર રસીલાબેન અશોકભાઇ સરધારાનો પરાજય થયો હતો. આ બેઠક પર કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.

કાલાવડ તાલુકાની નવાગામની મહિલા આનમત બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના પત્ની ગોમતીબેન ચાવડાને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારેલ હતાં અને તેઓનો વિજય થયો હતો. તેમની સામે કોંગ્રેસના રેખાબેન દિનેશભાઇ મકવાણાનો પરાજય થયો હતો.

લાલપુર તાલુકાની ભણગોર બેઠક ઉપરથી ભાજપના કરશનભાઇ ભીખાભાઇ ગાગલિયાને મેદાનમાં ઉતારાયા હતાં. તેઓએ આ બેઠક ઉપરથી વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર દેવશીભાઇ રાણાભાઇ બદિયાવદરાનો પરાજય થયો હતો.

જામજોધપુર તાલુકાની ગીંગણીની મહિલા અનામત બેઠક ઉપરથી મયબેન ગલાભાઇ ગલચરને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતાં અને તેમનો વિજય થયો હતો. તેમની સામે કોંગ્રેસના સોનલબેન વાઘાભાઇ ભારાઇનો પરાજય થયો હતો.

જામજોધપુર તાલુકાની સત્તાપર બેઠક ઉપરથી હર્ષદીપ પ્રભુદાસ સુતરિયાને ભાજપે ટિકીટ આપી હતી અને તેમનો વિજય થયો હતો. તેમની સામે કોંગ્રેસના હીરેનભાઇ ભગવાનજીભાઇ ખાંટનો પરાજય થયો હતો.

જામનગર તાલુકાની બેડ જિલ્લા પંચાયતની બેઠક ફરી પાછી ભાજપે કબ્જે કરી છે. ભાજપના ઉમેદવાર મનિષાબેન મહેશભાઇ કણઝારિયા વિજય થયા છે. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર મંજુબેન બાબભાઇ લુણાનો પરાજય થયો  હતો.

લાલપુર તાલુકાની સીંગચ જિલ્લા પંચાયતની બેઠક ઉપર ફરી પાછો ભાજપનો ભગવો લહેરાયો છે. સીંગચની બેઠક ઉપર લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ (સુરૂભા) જાડેજાના પત્ની હુલાશબા સુરેન્દ્રસિંહ જાડેજાનો વિજય થયો છે. તેની સામે કાંગ્રેસના આનંદબા પ્રતાપસિંહ જાડેજાનો પરાજય થયો હતો.

જામનગર તાલુકાની જિલ્લા પંચાયતની ધુંવાવની બેઠક ઉપરથી ભાજપમાંથી વિરોધપક્ષના પૂર્વ નેતા હસમુખભાઇ કણઝારિયાને ફરી પાછા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં. જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર દેવજીભાઇ રણછોડભાઇ કણઝારિયાનો ચૂંટણી લડી રહ્યાં છે. હાલમાં આ બેઠકની મતગણતરી ચાલુ છે.

જામનગર તાલુકાની જિલ્લા પંચાયતની ચેલાની બેઠક કોંગ્રેસના ઉમેદવાર જુલેખાબેન કાસમભાઇ ખફીનો વિજય થયો હતો. જ્યારે તેમની સામે ભાજપના સંગીતાબા ચંદુભા કેરનો પરાજય થયો હતો.

જામનગર તાલુકાની મોરકંડા જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ભાજપે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને આ બેઠક ઉપરના ગત્ ટર્મના ઉમેદવાર પોનલબેલ ભંડેરીના પતિ ડો.વિનોદ ભંડેરીને મેદાનમાં ઉતારેલ હતાં. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતભાઇ હીરાભાઇ ઝાંટિયાએ ડો.વિનોદ ભંડેરીને રાજકીય હાર આપી વિજય પ્રાપ્ત કર્યો હતો.

કાલાવડ તાલુકાની નિકાવા જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી કોંગ્રેસના જયંતીલાલ પરસોતમભાઇ મારવિયાને રિપીટ કરાયા હતાં અને તેઓએ ભાજપના ઉમેદવાર નાનજીભાઇ લીંબાભાઇ ચોવટિયાને હાર આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇનો વિજય થયો હતો.

લાલપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ખીમજીભાઇ જીવાભાઇ ધોળકિયાનો વિજય થયો હતો. જ્યારે ભાજપના ઉમેદવાર હિરજીભાઇ ચનાભાઇ ચાવડાનો પરાજય થયો હતો. લાલપુર તાલુકાની પીપરટોડા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ધરમશીભાઇ વાડોદરિયાનો વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસના અશોકભાઇ વિઠ્ઠલભાઇ તરાવિયાનો પરાજય થયો હતો. જામજોધપુર તાલુકાના શેઠવડાળા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કુંદનબેન અશોકભાઇ ચોવટિયાનો વિજય થયો હતો. જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મુક્તાબેન મુકેશભાઇ સરધારાની હાર થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here