જામનગર: જીલ્લાની ચૂંટણી પ્રક્રિયાની વિસ્તૃત માહિતી

0
448

જામનગર જિલ્લાની પાંચ સહિત રાજ્યભરની 182 વિધાનસભાની બેઠકો માટે સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. આગામી પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ ચરણની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણી પ્રક્રિયાને લઈને જામનગર જિલ્લાની મતદાર યાદી તેમજ આચાર સહિતા પાલન અંગે કેવુ છે તંત્રનું  આયોજન ? તેને લઈને અત્રે વિસ્તૃત અહેવાલ પ્રસ્તુત કર્યો છે.

ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચાર સહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. જેમાં તારીખ 5/11/2022થી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરવામાં આવશે. તારીખ 14/11 2022 ના રોજ ઉમેદવારી પત્ર રજૂ કરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ છે. તારીખ 6,13 અને 8 એમ ત્રણ દિવસ રજાના હોવાથી ફોર્મ ભરવાની કાર્યવાહી બંધ રહેશે. આ સિવાય સવારના 11 થી બપોરના ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે. તા. 15/11/2022ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને તારીખ 17/11/2022ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી છે. જ્યારે પહેલી ડિસેમ્બરના રોજ જામનગરની પાંચેય બેઠકોનું મતદાન થશે અને તારીખ 10 મી ડિસેમ્બરના રોજ જામનગરની હરિયા કોલેજ ખાતે પાંચેય બેઠકોની એક સાથે મત ગણતરી કરવામાં આવશે. કોઈ ઉમેદવારે ઉમેદવારી કરતા સમયે 10,000ની ડિપોઝિટ રકમ જમા કરાવવાની રહેશે. જો ઉમેદવાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની શ્રેણીના હોય તો તેમને ₹5,000 ની રકમ ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે.

ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ જિલ્લાભરમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની નિમણૂક કરવામાં આવી છે, આ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા માટે ચીફ ઓફિસર તેમજ મહાનગરપાલિકા વિસ્તાર માટે નાયબ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે.

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ 12,06,910 મતદારો નોંધાયા છે. જે પૈકી 6,18,572 પુરુષો ૫,૮૮,૩૨૩ સ્ત્રી મતદારો અને 15 મતદારોનો સમાવેશ થર્ડ જનરેશનમાં થાય છે. આ મતદારો પૈકી 11,63,4 72 ફોટા ઓળખ પત્ર ધરાવતા મતદારો છે. જ્યારે 43438 મતદારોને એપીક કાર્ડ વિતરણ કરવામાં આવશે.

પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ 1287 મતદાન મથકો મંજૂર કરવામાં આવ્યા છે,જેમાં બે પૂરક મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લાના પ્રત્યેક મતદાન વિભાગ ખાતે 7 સખી મતદાન મથકો તેમજ એક-એક પી ડબ્લ્યુ ડી, મોડેલ, ઇકો ફ્રેન્ડલી અને એક યુવા અધિકારી સંચાલિત મતદાન મથકનો સમાવેશ થાય છે. ઉપરાંત દરેક મતદાર વિભાગ પૈકી 50% મતદાન મથકો ખાતેથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયાની રોકાયેલા સ્ટાફની વાત કરવામાં આવે તો 1289 પ્રમુખ અધિકારીઓ, 1289 પ્રથમ મતદાન અધિકારી તથા બીજા મતદાન અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે, 800થી વધુ મતદારો ધરાવતા એક મતદાન મથક ઉપર એક ત્રીજા મતદાન અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ તમામ મતદાન સ્ટાફની નિમણૂક ચૂંટણી નિરીક્ષકની હાજરીમાં રેન્ડમાઇઝેશન પદ્ધતિથી કરવામાં આવશે. આ ઉપરાંત સંસદીય મતવિસ્તારના પાંચ વિધાનસભા મત વિભાગમાં 147 જોનલ રુટ પણ નક્કી કરવામાં આવ્યા છે .જેમાં 17 રિઝર્વ જનરલ અધિકારીઓ સહિત 164 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

કાલાવડની હરધરોલ હાઇસ્કુલ,જામનગર ગ્રામ્ય બેઠક માટે હાલારી વિશાળ વિદ્યાલય, જામનગર ઉત્તર બેઠકની dkv સાયન્સ કોલેજ, જામનગર દક્ષિણ બેઠક માટે પ્રભુલાલ સંઘરાજ શાહ વિધાલય અને જામજોધપુર બેઠકની વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ લાલપુરને રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

રાજકીય પક્ષો અને ઉમેદવારોની સરળતા રહે તે માટે એક બારી પદ્ધતિ એટલે કે સિંગલ વિન્ડો સિસ્ટમ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે, જેમાં જુદી જુદી કચેરીઓમાં જુદી જુદી પરવાનગી માટે જવું પડતું હતું, તે વાહન પરમિટ, સભા, સરઘસ અંગેની પરવાનગી એક જ સ્થળેથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મતદારયાદી સંબંધિત હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવી છે જેના ટેલીફોન નંબર 1950 છે. આ ઉપરાંત ચૂંટણી સંબંધીત ફરિયાદો અંગે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જેના ટોલ ફ્રી ટેલીફોન નંબર 18002333681 છે. આ ફોન નંબર ઉપર ચૂંટણીને લગતી ફરિયાદો લેવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આર્થિક ગેર કાયદેસરની લેવડદેવળને રોકવા માટે ખાસ સ્કવોડ ઉભી કરવામાં આવી છે. આ સ્કવોડની કમાન જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે. ચૂંટણી વખતે નાણાંની હેરાફેરી માટે ન્યુનત્તમ મર્યાદા 50000 રૂપિયા તેમજ 50,000થી ઉપરની રકમ માટે જે તે આસામીઓએ જરૂરી પુરાવાઓ સાથે રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here