જામનગર : જામનગરમાં મૃત વ્યક્તિને વેક્સીન આપી દેવામાં આવી હોવાના ખોટા પ્રમાણપત્ર રજુ કરી મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ કમીશનરને રજૂઆત કરી મૃતક વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર અને વેક્સીનેશન પ્રમાણપત્ર આપી યોગ્ય તપાસ અને બેદરકારી માટે જે કોઈ જવાબદાર હોય તેને શિક્ષા કરવાની માંગણી કરી છે.

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ કમિશ્નરને ચોકાવનારી રજૂઆત કરી છે. જે મુજબ, વોર્ડ નં.૧૨ માં મોરકંડા રોડ, બાન્નાથ વિસ્તારમાં રહેતા પરમાર જેન્તીલાલ જે તારીખ ૩૦/૦૪/૨૦૨૧ ના રોજ અવસાન પામેલ છે. જેનું વેક્સીનેસન ઘાંચીવાડ વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં “રૂતુબેન રમેશભાઈ ભેસદંડિયા દ્વારા બીજા ડોઝનું સર્ટીફીકેટ તેમના ઘરે પહોચાડેલ છે. આશ્ચર્ય ની વાત એ છે કે પરમાર જેન્તીલાલના બીજા ડોઝની તારીખ ૩૦/૧૧/૨૦૨૧ દર્શાવેલ છે. જો તેઓ તા.૩૦/૦૪/૨૦૨૧ ના રોજ મૃત્યુ પામેલ છે તો તે તા.૩૦/૧૧/૨૦૧૧ ના રોજ વેક્સીનેસન કેવી રીતે કરાવી શકાય ?

શું જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય ટીમે શું યમરાજ ની મદદથી બીજો ડોઝ આપેલ છે ?? આવો વેધક સવાલ કરી ખીલજીએ વધુમાં સવાલો કર્યા છે કે વાસ્તવિકતામાં આરોગ્યની ટીમ દ્વારા ખોટા સર્ટીફીકેટ બનાવીને પ્રધાનમંત્રીના ૧૦૦ કરોડ વેક્સીનેસન ના ટાર્ગેટ ને પૂરું કરવામાં આવેલ છે ??? બીજી તરફ સતાધારી પક્ષ દ્વારા તેના તાયફાઓ બનાવીને ઉજવણી કરવામાં આવે છે. આ બાબત ખુબ જ ગંભીર ગણી ,યોગ્ય તપાસ કરી અને આવા ખોટા વેક્સીનેસન સર્ટીફીકેટના કૌભાંડ આચરતા અધિકારીઓને તાત્કાલિક ધોરણે ડીસમીસ કરી તેમની વિરુદ્ધ યોગ્ય પગલાની અંતે માંગણી કરવામાં આવી છે.